દક્ષિણ-ગુજરાત

ચીખલીના કુકેરી ગામે જર્જરિત આવાસની દિવાલ પડતા દંપતીનું દબાઈ જવાથી મોત

Published

on

દિવાલ પડવાથી પતિનું ઘટનાસ્થળે, જ્યારે પત્નીનું સારવાર દરમિયાન મોત

નવસારી : નવસારી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ સાથે ભારે પવનો પણ ફૂંકાયા હતા. જેમાં ચીખલીના કૂકેરી ગામે ઘરના ઓટલા ઉપર સુતેલા હળપતિ દંપતી ઉપર તેમના જર્જરિત આવાસની દિવાલ પડતા બંને કાટમાળ નીચે દબાતા ગંભીર રીતે ઘવાયા હતા, અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે જ મોત થયુ હતું, જ્યારે પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

આવાસની દિવાલ પડતા મોતને ભેટેલા દંપતીને સરકારી સહાય માટે રિપોર્ટ કરાયો

 

નવસારી જિલ્લામાં બે દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં આજે સવારથી ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ સાથે ભારે પવનો ફૂંકાતા તાલુકામાં અનેક ઠેકાણે વૃક્ષો પડ્યા હતા. જ્યારે તાલુકાના કુકેરિ ગામે રેલ્વે ફળિયામાં રહેતા 56 વર્ષીય અરવિંદ હળપતિનું સરકારી આવાસ વર્ષો અગાઉ બનેલું હોવાથી જર્જર થયુ હતું. ગરીબ પરિસ્થતિને કારણે અરવિંદની તેના સમારકામ કરાવવાની સ્થિતિ ન હતી. દરમિયાન ગત રોજ બપોરે જમ્યા બાદ અરવિંદ અને તેમના પત્ની 53 વર્ષીય સુખીબેન હળપતિ બંને ઓટલા પર સુતા હતા. ત્યારે જ અચાનક જર્જર આવાસની દિવાલ તેમના ઉપર ધડામ દઈને પડી હતી. જેમાં અરવિંદ અને સુખીબેન બંને ગંભીર રીતે ઘવાયા હતા. માથા પર ઈજા થવાને કારણે અરવિંદ હળપતિનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અરવિંદના ઘરે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ સુખીબેનને 108 એમ્બ્યુલન્સની મદદથી ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન સુખીએ પણ દમ તોડી દીધો હતો. સમગ્ર ઘટનામાં ચીખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે. જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ પંચનામુ કરીને સરકારમાં રિપોર્ટ કર્યો હતો.

Click to comment

Trending

Exit mobile version