નવસારી : છેલ્લા ચાર દિવસોથી નવસારીમાં વરસાદી માહોલ બન્યો હતો અને બે દિવસોમાં ભારે વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતુ. પરંતુ ગતરોજ બપોર બાદથી મેઘાએ વિરામ નવસારીજનોએ રાહત અનુભવી છે. સાથે જ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ડાંગરની વાવણીમાં જોડાયા છે.
ભારે વરસાદને કારણે જિલ્લામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં પણ ગત ચાર દિવસોમાં સારો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ ભારે વરસાદ રહેતા જનજીવન પ્રભાવિત થયું હતુ. ભારે વરસાદ સાથે પવનો રહેતા જિલ્લામાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. જ્યારે રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી હતી. ભારે વરસાદને કારણે જિલ્લામાં ખુલ્લી ગટર અને ખુલ્લા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં ડૂબી જવાથી બે માસુમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ચીખલી તાલુકાના કુકેરી ગામે જર્જર આવાસની દીવાલ પડતા, આધેડ દંપતિનો જીવન દીપ બુઝાયો હતો. જોકે ગત રોજ બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. વરસાદે વિરામ લેતા નવસારીજનોએ પણ રાહત અનુભવી છે. આજે સવારથી વાદળિયા વાતાવરણમાંથી સૂર્યદેવતા પણ દર્શન આપી રહ્યા છે. જેથી નવસારીનું જનજીવન થાળે પડ્યું છે.
જગતનો તાત હરખાયો, વાવણી આરંભી
બીજી તરફ વાવણી લાયક વરસાદ થતાં જિલ્લાના ડાંગર પકાવતા ખેડૂતો હરખાયા છે. ખેડૂતોએ ડાંગરનું ધરૂ તૈયાર કર્યું હતું, પરંતુ વરસાદ હાથતાળી આપતો હોવાથી ચિંતામાં હતા. જોકે છેલ્લા ચાર દિવસમાં પડેલા વરસાદે ખેતરો પાણી પાણી કર્યા છે. જેથી જગતનો તાત પણ ડાંગરની રોપણીમાં હરખભેર જોડાયો છે.