અપરાધ

નવસારીના અમલસાડ ખાતેથી ધમડાછાના વકીલનો તેમની જ કારમાંથી શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળ્યો

Published

on

ત્રણ દિવસથી ગુમ હતા વકીલ, હત્યા કે આત્મહત્યા..? ઘેરાતું રહસ્ય

નવસારી : નવસારીના અમલસાડ ગામે પેલાડ આંબાવાડી પાસેથી આજે સવારે ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલા ધમડાછાના વકીલનો તેમની જ કારમાંથી શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. મૃતદેહ ડી કંપોઝ થયો હતો, જ્યારે વકીલની હત્યા થઈ કે તેમણે આત્મહત્યા કરી એ અંગે રહસ્ય ઘેરાયું છે.

મૃતદેહની પાસેથી કાળા રંગના પ્રવાહીની બોટલ, એક પડીકી અને મોબાઈલ મળી આવ્યા

મળતી માહિતી અનુસાર, નવસારીના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે લીમડા ચોકમાં રહેતા અને વ્યવસાયે વકીલ 48 વર્ષીય તેજસ સુમંતરાય વશી ગત 1 જુલાઈ, 2024 ના રોજ સાંજે કોઈને કંઇપણ કહ્યા વિના પોતાની કાર લઈને ક્યાંક ચાલ્યા ગયા હતા. મોડી રાત સુધી તેજસ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી, સગા સંબંધીઓને ત્યાં પણ પૂછપરછ કરતા, તેજસનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજે સવારે તાલુકાના અમલસાડ ગામ નજીક પેળાડ સ્થિત આંબાવાડીના દરવાજા બહાર તેજસની કાર પાર્ક કરેલી જોવા મળી હતી. વાડીમાં આવતા એક મજુરે કાર જોયા બાદ, તેમાં કાચમાંથી અંદર જોયું, તો તે ગભરાય ગયો હતો. કારમાં અંદર એક વ્યક્તિ બેહોશ જણાયો હતો અને તેણે તાત્કાલિક લોકોને જાણ કરી હતી. કાર તેજસની હોવાનું જણાતા તેના ઘરેથી ચાવી મંગાવવામાં આવી હતી અને કારનો દરવાજો ખોલતા જ તેજસ મૃત અવસ્થામાં મળ્યો હતો. તેનો મૃતદેહ ડી કંપોઝ થયો હતો. ઘટનાની જાણ ગણદેવી પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા તેજસના મૃતદેહ પાસેથી કાળા રંગના પ્રવાહીવાળી એક બોટલ, પડીકી અને મોબાઈલ ફોન મળ્યો હતો. જેથી પોલીસે FSL ની મદદ લઈ તપાસને આગળ વધારી હતી. જોકે શંકાસ્પદ અવસ્થામાં મળેલા તેજસ વશીના મૃતદેહને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તેણે આત્મહત્યા કરી હોય એવું લાગી રહ્યુ હતું. પરંતુ વ્યવસાયે વકીલ હોવાથી, તેજસની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી બંને દિશામાં પોલીસે તપાસ આરંભી છે. સમગ્ર મુદ્દે પોલીસે અક્સ્માત મોતનો ગુનો નોંધી તેજસના પરિવારજનોના નિવેદનો નોંધવાની શરૂઆત કરી તપાસને વેગ આપ્યો છે.

Click to comment

Trending

Exit mobile version