નવસારી : નવસારીમાં બે દિવસ અગાઉ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતુ. પરંતુ મેઘરાજા એક બે દિવસ પોરો ખાધા બાદ ફરી ગત રાતથી નવસારીમાં મેઘરાજા પધરામણી કરી છે. નવસારીમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ બન્યો છે અને જિલ્લામાં છુટા છવાયા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે.
સવારે 6 થી 8 માં બે કલાકમાં જ ખેરગામ તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ
નવસારીમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ચાર દિવસો સુધી સતત પડેલા ભારે વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતુ. જેમાં પણ બે દિવસો દરમિયાન વરસાદ સાથે ભારે પવનોને કારણે વૃક્ષો ધરાસાયી થવા સાથે ઘણા જર્જરીત મકાનો તૂટી પડ્યા હતા. જ્યારે રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પણ વેઠવી પડી હતી. જોકે ગત બે દિવસ મેઘરાજાએ પોરો ખાતા જનજીવન થાળે પડ્યું હતુ. પરંતુ ગત રોજ વરસાદ ન હોવાને કારણે લોકોએ ભારે બફારાનો પણ અનુભવ કર્યો હતો. જેથી વરસાદ પડે એવી સંભાવનાઓ પણ જોવામાં આવી રહી હતી. ત્યારે ગત રાતે 8 વાગ્યા બાદ નવસારી શહેર સહિત જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. દરમિયાન આજે વહેલી સવારથી કાળા ડીબાંગ વાદળો ઘેરાવા સાથે જ વરસાદી ઝાપટા શરૂ થયા હતા. જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ખેરગામ તાલુકામાં 44 મિમી એટલે પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.