પીડિત મહિલાઓની શારીરિક અને માનસિક સારવાર માટેની વ્યવસ્થા કરવાની પણ વિનંતી
નવસારી : પશ્ચિમ બંગાળના સંદેશખાલી કુચબિહાર અને ઉત્તર દીનાજપુર (ચોપરા) માં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારથી વ્યથિત શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટની મહિલાઓએ આજે નવસારી જિલ્લા કલેકટર મારફતે કેન્દ્રના ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવી, પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારને રોકવા તેમજ પીડિત મહિલાઓની શારીરિક અને માનસિક સારવાર કરાવવા માટેની વિનંતી કરી હતી.
પશ્ચિમ બંગાળમાં મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ ઉપર થતા અત્યાચાર અત્યંત નિંદનીય – શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ
શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના નેજા હેઠળ નવસારીની મહિલાઓએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી, પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારને વખોડી કાઢ્યો હતો. ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી મહિલા હોવા છતાં પશ્ચિમ બંગાળના સંદેશખાલી કુચબિહાર અને ઉત્તર દીનાજપુર (ચોપરા) માં મહિલાઓ ઉપર અત્યંત નિર્દયતા પૂર્વક અત્યાચાર થઈ રહ્યા હોવાની વાતે મહિલાઓ વ્યથિત છે. જેથી જિલ્લા કલેકટર મારફતે ભારત સરકારના ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મહિલાઓએ પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે અન્યાય અત્યાચાર અને અપમાનથી ચિંતિત છીએ. સાથે જ સમગ્ર મુદ્દે ગૃહમંત્રી પ્રત્યક્ષ રીતે હસ્તક્ષેપ કરી પીડિત મહિલાઓને ન્યાય અપાવે એવી માંગ કરી છે. પીડિત મહિલાઓને શારીરિક અને માનસિક સારવાર મળે એવી વ્યવસ્થા કરવા માટેની પણ વિનંતી કરી છે. ખાસ કરીને સમગ્ર પ્રકરણને સંવેદનશીલતાથી જોઈ વહેલી તકે જરૂરી પગલાં ભરી ન્યાય અને કાયદાની પુનઃ સ્થાપના કરવાની માંગ કરી છે.