એચ. એચ. માર્કેટિંગનીની આડમાં રમાડાતો હતો ઓનલાઇન જુગાર
નવસારી : નવસારીના ગણદેવી નગરમાં એચ. એચ. માર્કેટિંગની દુકાનમાં TV ઉપર અલગ અલગ યંત્રના ફોટો ફોટો જોઈ, ઓનલાઈન જુગાર રમતા 10 શકુનિઓને ગણદેવી પોલીસે ઝડપી પાડ્યા હતા. દુકાનદાર TV અને કોઈન મશીન ઉપર આધુનિક રીતે ઓનલાઇન જુગાર રમાડતો હતો.
જુગારમાં 11 ના નવ ગણા અથવા 100 રૂપિયા અથવા ચાંદીનો સિક્કો અપાતો હતો
મળતી માહિતી અનુસાર, નવસારીની ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે, ગણદેવી નગરના દમણીયા હોસ્પિટલથી જલારામ મંદિર જતા માર્ગ પર આવેલ એચ. એચ. માર્કેટિંગની દુકાનમાં TV અને કોઈન મશીન તેમજ કમ્પ્યુટરની મદદથી અલગ અલગ યંત્રોના ચિત્રો બતાવી ઓનલાઈન જુગાર રમાડવામાં આવે છે. જેને આધારે ગણદેવી પોલીસની ટીમે એચ. એચ. માર્કેટિંગની દુકાનમાં છાપો મારતા જુગાર રમાડનાર અને ચીખલીના પીપલગભાણ ગામના ચંદ્રકાંત ગલુ સોલંકી સહિત ગણદેવી નગરના માકલા ફળિયામાં રહેતા વિજય ભગુ ગુપ્તે અને રાજુ સકુ હળપતિ, ગણદેવીની તેલુગુ સોસાયટીમાં રહેતો સત્યનારાયણ ઈશ્વરીયા મિયાર્દ, ગણદેવીના ખેરગામ ગામનો જયકુમાર બીપીન પટેલ, ગણદેવી પાણીની ટાંકી પાસે રહેતો અજય સંજય હળપતિ, ગણદેવી જલારામ મંદિર પાસે રહેતો સોનુસીંગ રણજીતસીંગ સરદાર, ગણદેવીના પંડ્યા ભોજનાલયની બાજુમાં રહેતો જીતેન્દ્ર સાહેબરાવ પાટીલ, ગણદેવીના જમાદારવાડમાં રહેતો અસલમ સઈદ ફકીર તેમજ ગણદેવી નવીનગરી, ઇન્દિરા આવાસમાં રહેતો વિનોદ હરીશ હળપતિને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે 10 આરોપીઓની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી TV, કોમ્પ્યુટર કીબોર્ડ, માઉસ, કોઈન મશીન, પ્રિન્ટર ધાતુના સિક્કા, સ્માર્ટ યંત્ર કાર્ડ, લેમિનેશન કરેલા કાર્ડ, 8 મોબાઈલ ફોન તેમજ 18 હજારથી વધુ રોકડ મળી કુલ 71,110 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ગણદેવી પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.