નવસારી LCB પોલીસે ચીખલીના કુકેરી ગામ પાસેથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો
નવસારી : નેશનલ હાઇવે નં. 48 સહિત નવસારી જિલ્લાના આંતરિક માર્ગો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થાય છે. જેને રોકવા માટે જિલ્લા પોલીસ પ્રયત્નો કરે છે, તેમ છતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ નવસારીમાં અને નવસારીમાંથી અન્ય જિલ્લામાં પહોંચાડવામાં આવે છે. ગતરોજ પણ નવસારી LCB પોલીસે રાનકુવા-વાંસદા માર્ગ ઉપર કુકેરી ગામના ત્રણ રસ્તા નજીકથી 3.18 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે 8.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 6 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
વિદેશી દારૂનો જથ્થો દમણથી નવસારીના આંતરિક માર્ગ થઈને સુરત તરફ લઈ જવાનો હતો
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે નવસારી LCB પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન HC લલિત અશોક અને HC ગણેશ દીનુને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નીકળેલ એક ટેમ્પો જિલ્લાના આંતરિક માર્ગ પરથી પસાર થનાર છે અને હાલમાં રાનકુવાથી વાંસદા તરફ જઈ રહ્યો છે. જેથી પોલીસે ચીખલી તાલુકાના કુકેરી ગામે તોરણ ફળિયાના ત્રણ રસ્તા પાસે ફિલ્ડીંગ ગોઠવી, બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા, તેમાં વિદેશી દારૂ ભરેલા બોક્સ મળી આવ્યા હતા. પોલીસે 3.18 લાખ રૂપિયાની વ્હિસ્કી અને બિયરની કુલ 1185 બોટલ કબ્જે લીધી હતી. સાથે જ ટેમ્પો ચાલક અને સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક હળપતિ વાસમાં રહેતા 48 વર્ષીય વિજય અમરસીંગ વસાવાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો 2 અજાણ્યા ઇસમો વલસાડ-ધરમપુર ઓવરબ્રિજ પાસે આપી ગયા હતા. જ્યારે તેને વાંસદા તાલુકાના રૂપવેલ ગામના બુટલેગર રાજેશ ઉર્ફે રાજુ મોહન પટેલ અને તેના પુત્ર નિકુંજ રાજેશ પટેલ તેમજ સુરત સચિનના બુટલેગર જયંતિને પહોંચાડવાનો હતો. જેથી પોલીસે દારૂ ભરેલ ટેમ્પો આપનાર અને દારૂ મંગાવનાર મળી કુલ છ લોકોને વોન્ટેજ જાહેર કર્યા છે. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 5 લાખ રૂપિયાનો ટેમ્પો અને 5 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન મળી કુલ 8.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દે ચીખલી પોલીસ મથકે પ્રોહિબેશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી, આરોપી ટેમ્પો ચાલકને વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપ્યો છે.