પોલીસે નેશનલ હાઈવે પર આલીપોર પાસેથી બાતમીને આધારે ટ્રક પકડી
નવસારી : નવસારી જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી પર રોક લગાવવા માટે જિલ્લા પોલીસ સક્રિય બની છે. જેમાં નવસારી LCB પોલીસને મળેલી બાતમીને આધારે ગતરોજ નેશનલ હાઇવે નં. 48 પર આલીપોર ગામ નજીક થી 16.08 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે પાંચની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનારા અને મંગાવનાર બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ગોવાથી વિદેશી દારૂ ભરેલો ટ્રક સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોરડી ખાતે જઈ રહ્યો હતો
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલો એક ટ્રક હાઇવે થી પસાર થઈ સુરત તરફ જઈ રહ્યો છે. જેને આધારે પોલીસે હાઇવે ઉપર ચીખલી તાલુકાના આલીપોર ગામ નજીક એક હોટલ પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમ્યાન બાતમી વાળો ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો ભરેલા બોક્સ મળી આવ્યા હતા. જેમાંથી 16.08 લાખ રૂપિયાની વ્હિસ્કીની 16080 બોટલો કબજે કરી હતી. જ્યારે ટ્રક આગળ પાયલોટીંગ કરતી કારને પણ પોલીસે પકડી પાડી હતી. પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ચાલક અને મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના ઓસર ગામના 27 વર્ષીય અનિલ નાગેશ ખરાત, ક્લીનર અને સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોરડી ગામના 34 વર્ષ દિનેશ ઉર્ફે પ્રવીણ દાના પરમાર, જ્યારે કારચાલક અને મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના પોઇપ ગામના 36 વર્ષના કાશીરામ ચંદ્રકાંત આંગણે, પાયલોટિંગ કરનારા સુરેન્દ્ર નગર જિલ્લાના સૂરજ ગામના 28 વર્ષીય દલસુખ વેલા મેસરિયા અને 35 વર્ષીય મુકેશ ધના દેત્રોજાની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો ગોવાનો સચિન પટેલ ગોવાથી ટેમ્પોમાં ભરી લાવી મુંબઈના ભિવંડી પાસે આપી ગયો હતો. જ્યારે દારૂનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના દેવસર ગામના બુટલેગર દિનેશ રૂપા દેત્રોજાએ મંગાવ્યો હતો. જેથી પોલીસે સચિન પટેલ અને દિનેશ દેત્રોજાને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 10 લાખ રૂપિયાનો ટેમ્પો, 3 લાખ રૂપિયાની કાર, 19 હજાર રૂપિયાના 5 મોબાઇલ ફોન, 5500 રૂપિયા રોકડા મળી 29.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ ચીખલી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.