આરોગ્ય

નવસારીના મુનસાડ ગામે ઝાડા ઉલ્ટીનો વાવર, આરોગ્ય વિભાગ દોડતું થયુ

Published

on

તમામને ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા, એક નવસારી સિવિલ હોસ્પિટલમાં

નવસારી : ચોમાસુ શરૂ થતા પાણીજન્ય રોગોની સમસ્યા સામે આવતી હોય છે. જેમાં નવસારીના પૂર્વ પટ્ટીના મુનસાડ ગામે બે દિવસમાં 15 લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જાણતા તેમને નજીકના ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આર્થિક ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એકની તબિયત વધુ બગડતા નવસારી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા નવસારી આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. સાથે જ કોલેરા છે કે કેમ..? એ માટે સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે.

ચોમાસુ શરૂ થતા જ પાણીજન્ય રોગોની વધે છે સમસ્યા

ચોમાસુ આવતા જ વરસાદી પાણીથી ખાબોચિયા ભરાવાને કારણે મચ્છર અને માખીનો ઉપદ્રવ વધી જાય છે. જેથી શહેર ગ્રામ્ય વિસ્તારના શ્રમિક વિસ્તારોમાં પાણીજન્ય રોગ થવાની સંભાવના પણ વધી જતી હોય છે. સાથે જ વરસાદમાં પલળવાથી શરદી ખાંસી અને તાવની બીમારી પણ સામાન્ય બનતી હોય છે. ત્યારે નવસારી તાલુકાના બારડોલી રોડ ઉપર આવેલ મુનસાડ ગામના હળપતિવાસમાં બે દિવસથી લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જણાઈ હતી. જેમાં ગતરોજ 11 લોકોને તબિયત બગડતા નજીકના ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકની તબિયત વધુ બગડતા તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આજે પણ વધુ ચાર લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા થતા, ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. બે દિવસમાં 15 લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા જણાતા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતુ. સાથે જ ઝાડા ઉલ્ટીની સમસ્યા શાને કારણે છે..? તે ચકાસવા મુનસાડ ગામમાં પાણીના સેમ્પલ લઈ, તેને લેબોરેટરીમાં મોકલી કોલેરા છે કે કેમ..? એની ચકાસણી કરવાના પ્રયાસો પણ આરંભ્યા છે. સાથે જ ગામમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લોરિનેશનની પ્રક્રિયા હાથ ધરવા સાથે પીવાના પાણીમાં કોઈ લીકેજ છે કે કેમ..? એની પણ ગ્રામ પંચાયતને તપાસ કરવા સૂચના આપી છે.

ઝાડા ઉલ્ટીનું કારણ ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે..!!!

ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓના કેટલાક સગાઓએ ગામમાં એક દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે કરેલા નાસ્તા બાદ લોકોને ઝાડા ઉલ્ટીની સમસ્યા થઈ હોવાનું જણાવ્યું હતુ. જેથી અસરગ્રસ્તોને ફૂડ પોઈઝનિંગની અસર હોય એવું પણ પ્રાથમિક તબક્કે અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્યારે કેટલાક લોકોએ ફળિયામાં પાણી સમસ્યા હોવાનું કહેતા આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે. જોકે રિપોર્ટ બાદ જ ખરી હકીકત સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version