વિદ્યાર્થીઓએ શહીદો માટે ચિત્રો અને પોસ્ટર બનાવી દિલ્હી સ્થિત રક્ષા મંત્રાલયમાં મોકલ્યા
નવસારી : ભારતમાંથી પાકિસ્તાન છુટૂ પડ્યા બાદ બંને દેશો વચ્ચે બે મોટા યુદ્ધો થયા, જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં વર્ષ 1999 માં કારગિલ યુદ્ધમાં ભારતને ભવ્ય વિજય મળ્યો હતો, જેની યાદમાં 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે નવસારીના સુપા ગામે આવેલ ગુરૂકુલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ શહીદ જવાનોને યાદ કરી સૌર્યગાથા વર્ણવતા ચિત્રો અને પોસ્ટર બનાવી દિલ્હી સ્થિત રક્ષા મંત્રાલયમાં મોકલી, દેશભકિતની ભાવના સાથે કારગિલ દિવસ ઉજવ્યો હતો.
વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત, પ્રવચન અને ચિત્ર પોસ્ટર થકી શહીદોને આપી શ્રદ્ધાંજલિ
ભારતના તત્કાલિન વડાપ્રધાન એટલ બિહારી બાજપાઇએ વર્ષ 1999 માં કારગિલમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનને ધૂળ ચટાડી મેળવેલી જીતને વર્ષો વર્ષ સુધી યાદ રહે એ હેતૂથી 26 જુલાઈને કારગિલ વિજય દિવસ જાહેર કર્યો હતો. ત્યારે આજે નવસારી તાલુકાના સુપા ગામે વૈદિક પરંપરા અનુસાર વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ સાથે જ આધુનિક શિક્ષણ આપતી ગુરૂકુલ વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓ કારગિલ શહીદ દિવસ વિશે માહિતી મેળવે અને સરહદ ઉપર લડતા જવાનો માટે તેમના હ્રદયમાં માન, સન્માન વધે એવા ઉમદા હેતૂથી દેશભક્તિ ગીત, પ્રવચન અને ચિત્ર પોસ્ટર સ્પર્ધા યોજી અનોખી રીતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. વિદ્યાર્થીઓએ દોરેલા અને દેશ દાઝનો સંદેશ આપતા ચિત્રો તથા પોસ્ટર ભારતીય રક્ષા મંત્રાલયમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.
દેશભકિતની ભાવના કેળવતી સહ અભ્યાસિક પ્રવૃતિને જિલ્લા શિક્ષણાધિકારીએ આવકારી
આ પ્રસંગે શાળાના આચાર્ય પરેશ દેસાઈએ વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ અને દેશભાવના આ પોસ્ટરના ચિત્રોમાં જોવા મળી અને તેના થકી તેમનામાં રાષ્ટ્રભક્તિ કેળવવાનું પ્રથમ પગથિયુ બન્યુ હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. રાકેશભાઈ આહીર, શીતલ પટેલ, સ્મિતા પાટીલ અને પ્રીતિ રાઠોડે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યુ, જયારે ચિત્ર શિક્ષક નીરવ આહિરે આ પ્રવૃત્તિ માટે ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પસ ડાયરેક્ટર ડૉ. આચાર્ય ચંદ્રગુપ્તજી અને સુરેશભાઇ રત્નાણીએ શહીદોને વંદન કર્યા હતા. ગુરુકુલ પદાધિકારીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીએ દેશભક્તિની સહ અભ્યાસિક પ્રવૃત્તિને આવકારી હતી.