ગુજરાત

પૂર્ણાના ધસમસતા પ્રવાહમાં સુપા ગામે પુલની રેલીંગ, રોડ સરફેસને મોટુ નુકશાન

Published

on

પુલને નુકશાની થતા નવસારી બારડોલીનો વાહન વ્યવહાર થયો બંધ

નવસારી : નવસારી અને ઉપરવાસમાં પડેલા મુશળાધાર વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા પૂર્ણાની જળસપાટી 31 ફૂટે પહોંચી હતી. પૂર્ણાના ધસમસતા અને તોફાની પ્રવાહમાં નવસારી બારડોલી માર્ગ પર આવેલ સુપા ગામે પૂર્ણા નદી ઉપરના પુલની રેલીંગ તૂટી ગઇ હતી, જયારે ડામર રોડની સરફેસ પણ ઉખડી જતા પુલને મોટુ નુકશાન થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે પુલની મજબૂતાઇને કોઈ અસર થઇ નથી, જેથી માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે.

માર્ગ મકાન વિભાગે તાત્કાલિક પુલનું સમારકામ શરૂ કર્યુ, સાંજ સુધીમાં કામ થશે પૂર્ણ

નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, જેમાં ગત રોજ મોડી રાતથી નવસારી સહિત ઉપરવાસના સુરત અને ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ બની હતી. પૂર્ણામાં જંગલ વિસ્તારથી ધસમસતા પાણી આવતા તેની સાથે મોટા મોટા લાકડા પણ તણાઇ આવ્યા હતા. પૂર્ણાના રૌદ્ર રૂપને કારણે અને તોફાની પ્રવાહમાં નવસારી બારડોલી માર્ગ પર સુપા ગામ નજીકના પૂર્ણાના પુલની રેલીંગ તૂટી ગઇ અને પુલના કોન્ક્રીટ ભાગ ઉપર બનાવેલ ડામર રોડની સરફેસ ઉખડીને નદીમાં તણાઇ ગઈ હતી. જયારે પૂર્ણામાં પુરનાં પાણી ઓસર્યા ત્યારે સુપા ગામ નજીકના પુલમાં મોટુ નુકશાન સામે આવતા રાજ્ય માર્ગ મકાન વિભાગ સતર્ક થયો હતો. માર્ગ મકાન વિભાગ દ્વારા નવસારી બારડોલી માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાવી દીધો હતો. સાથે જ યુદ્ધના ધોરણે પુલની રેલીંગ સાથે રોડ બનાવવા માટેની કામગીરી આરંભી હતી. જેમાં કાર્યપાલક ઈજનેર દ્વારા આજે સાંજ સુધીમાં પુલનું સમારકામ પૂર્ણ થતા આવતી કાલથી પુલ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવાની ખાતરી આપી છે.

સુપા ચાર રસ્તા પાસેથી ધોળાપીપળા તરફ અપાયુ ડાયવર્ઝન

નવસારી બારડોલી માર્ગ પર સુપા ગામ નજીક પૂર્ણા નદી ઉપરના પુલની રેલીંગ તૂટવા સાથે રોડ સરફેસ ઉખડી જતા તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યુ છે. જે દરમિયાન પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જોકે તંત્ર દ્વારા બારડોલી તરફથી આવતા વાહનો માટે સુપા ચાર રસ્તાથી પેરા ગામ થઇ ધોળાપીપળા ગામ તરફનું ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જયારે નવસારીથી બારડોલી જવા માંગતા વાહનો ધોળાપીપળાથી પેરા અને ત્યાંથી સુપા ગામ થઇ બારડોલી તરફ જઈ શકશે.

વર્ષ 2016 માં બસ અકસ્માતમાં સુપા પુલની મજબૂતાઇ ચકાસાઇ હતી

નવસારી બારડોલી માર્ગ પર સુપા ગામે પૂર્ણા નદી ઉપર વર્ષો અગાઉ બનેલા પુલ પરથી વર્ષ 2016 માં નવસારીથી નિકળેલી એસટી બસ રેલીંગ તોડીને 30 ફૂટ નીચે પડતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 40 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ગોઝારા અકસ્માત બાદ રાજ્ય માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેકનીકલ ટીમે પુલની સ્ટેબિલીટી ચકાસી હતી. જેમાં પુલ સંપૂર્ણ રીતે સક્ષમ અને મજબૂત હોવાનો રીપોર્ટ કરાયો હતો. જોકે ત્યારે પણ તૂટેલી રેલીંગનું સમારકામ કર્યા બાદ પુલને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો.

હાલના પુલની બાજુમાં જ બની રહ્યો છે નવો પુલ

નવસારી બારડોલી માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા નવસારીથી બારડોલી સુધીમાં મોટા ભાગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. નવસારી બારડોલી માર્ગ ચાર માર્ગીય બની રહ્યો છે, ત્યારે સુપા ગામ નજીક હાલના પુલની બાજુમાં જ નવો અને ઉંચો પુલ બનાવવામાં આવી રહ્યો છે. જે પુલ પણ લગભગ એક વર્ષમાં પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર માટે ચાલુ થવાની સંભાવના છે. ત્યારે પૂર્ણાની જળસપાટી 31 ફૂટ પર પહોંચશે, તો પણ પુલ વાહન વ્યવહાર માટે ચાલુ રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Click to comment

Trending

Exit mobile version