દુકાનોદારોને હજારોનું તો હીરા ઉદ્યોગકારોને લાખોનું નુકશાન
નવસારી : નવસારીની પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપુરને કારણે નવસારી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી દુકાનો, ઓફિસો, કારખાનાઓમાં પ્રવેશી જતા વેપારીઓ અને ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જયારે પુરના કારણે હજારો લોકોને અઠવાડિયા સુધી રોજગારીથી દૂર રહેવું પડશે.
નવસારીની પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા સર્જાયેલા પુરને કારણે નવસારીના શાંતાદેવી રોડ સહિતના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા દુકાનોમાં 4 ફૂટથી વધુ પાણી ભરાયા હતા. શાંતાદેવી રોડ પર આવેલ કિનારા એપાર્ટમેન્ટમાં આવેલ ઇલેક્ટ્રિક સાધનોની રીપેરીંગનું કામ કરતા મનસુખભાઈની દુકાનમાં પુરના પાણી ધારવા કરતા બે ફૂટ વધુ ચઢ્યા હતા. જેના કારણે મોટર સહિતનાં સાધનો પુરના પાણીમાં પલળી જતા તેમને અંદાજે 40 હજારથી વધુ નુકશાનીનો અંદાજ છે. બાજુમાં આવેલ સોના ચાંદીના દાગીના વેચતા ચેતન પારેખની જવેલર્સમાં પણ પુરના પાણીને કારણે ફર્નીચર તેમજ નાના ચાંદીના દાગીના પણ પલળી જતા તેમને પણ 50 હજારથી વધુના નુકશાનનો અંદાજો છે. શહેરના નિચાણવાળા વિસ્તારમાં પુરના કારણે કરિયાણા, કાપડ, રેડીમેડ, ઇલેક્ટ્રિક, ઇલેકટ્રોનીકસ, કોમ્પ્યુટર, પાનના ગલ્લા સહિતના વિવિધ દુકાનદારોને 10 થી 50 હજાર કે તેથી વધુનું નુકશાન થયુ છે.
હીરા ઉદ્યોગના હબ નવસારીના શાંતાદેવી રોડ ઉપર અનેક કારખાનાઓમાં લાખોનું નુકશાન
નવસારી હીરા ઉદ્યોગનું હબ છે. પોલ્કી હીરાનો 80 ટકા વેપાર નવસારીથી થાય છે. જેથી નવસારીના શાંતાદેવી રોડ, ફુવારા, દાંડીવાડ જેવા વિસ્તારોમાં નાના મોટા હીરાનાં કારખાના આવેલા છે. જેમાં શાંતાદેવી રોડ ઉપર હીરાના કારખાના અને ફેકટરીઓ પણ આવેલી છે. પુરના પાણી શાંતાદેવી રોડ ઉપર 8 ફૂટથી વધુ ચઢ્યા હતા. જેથી અનેક હીરાના કારખાના, ફેકટરીઓ અને ઓફિસોમાં પુરના પાણી પ્રવેશી જતા હીરા ઉદ્યોગકારોને સામાન્ય રીતે 1 થી 3 લાખ રૂપિયાનું, જયારે કેટલાક કારખાનેદારોને ત્યાં અદાજે 15 લાખ રૂપિયાના લેસર મશીનો પણ પાણીમાં પલળી જતા ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. શાંતાદેવી રોડ પર આવેલ રૂબી કોમ્પ્લેક્ષમાં 100 જેટલા હીરા યુનિટ આવેલા છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કારખાના અને ઓફિસોમાં પુરના પાણી 4 ફૂટ સુધી પહોંચ્યા હતા. જેને કારણે કારખાનામાં હીરાની ઘંટી તેમજ હીરા ઘસવાના સાધનો પુરના પાણીમાં ડૂબી જતા કારખાનેદાર કમલેશ માલાણીને અંદાજે 3 લાખ રૂપિયાનું નુકશાન અંદાજવામાં આવ્યુ છે. જેથી નવસારીમાં પુરને કારણે વેપારીઓ અને ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકશાન થયુ હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. જયારે હીરાના કારખાના પણ શરૂ થતા અઠવાડિયાનો સમય લાગશે, જેના કારણે હજારો રત્નકલાકારોને અઠવાડિયા સુધી રોજગારી નહીં મળે, જેથી તેમની અઠવાડિયાની રોજગારી છીનવાઇ જતા આર્થિક નુકશાની વેઠવા પડશે.