નવસારી : નવસારી શહેરના માણેકલાલ રોડ ઉપર આજે બપોરના સમયે અંદાજે 4 ફૂટ મોટો ભુવો પડતા રસ્તો રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા નવસારી વિજલપોર પાલિકાએ સમારકામ શરૂ કર્યુ છે. ઉલ્લેખનિય છે કે, નવસારીમાં ચોમાસું શરૂ થયા બાદ શહેરમાં આ ત્રીજો ભુવો પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
શહેરના રસ્તાઓ ઉપર ખાડાઓ સાથે પડી રહ્યા છે, મોટા ભુવા
ચોમાસું શરૂ થયા બાદ નવસારી શહેરના રસ્તાઓ ઉપર ખાડાઓ પડતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પાલિકાએ ત્રણ રસ્તાઓ અને ચાર રસ્તાઓ ઉપર બ્લોક નાંખ્યા હતા, ત્યાં પણ બ્લોક ઉખડી જવા સાથે એમાં પણ ખાડા પડ્યા છે. જેથી નવસારીવાસીઓ રોજના ઘરે કમરનો દુખાવો લઇ જઇ રહ્યા છે. ત્યારે ખાડાઓ સાથે હવે શહેરમાં મોટા મોટા ભુવા પડવાની શરૂઆત થઇ છે, ગત વર્ષોમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ ભૂવા પડ્યા હતા. પરંતુ આ વર્ષે શહેરમાં અલગ અલગ જગ્યાઓએ ભુવા પડી રહ્યા છે. આજે નવસારીના માણેકલાલ રોડ પર ભકતાશ્રમ સ્કૂલ નજીક અંદાજે 4 ફૂટ પહોળો ભુવો પડતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ભુવો પડવાને કારણે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. જોકે પાલિકાને ઘટનાને જાણ થતા તાત્કાલિક ભુવાનું સમારકામ શરૂ કર્યુ છે. જોકે શહેરમાં એક પછી એક મોટા ભુવા પડવાની ઘટનાથી શહેરીજનો રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.