પાલિકાના ભાજપી નગરસેવકે પાલિકા મુખ્ય અધિકારીને પત્ર લખી કરી ભલામણ
નવસારી : નવસારી વિજલપોર નગરપાલિકાના વિવિધ વિભાગોના વર્ગ 4 નાં કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF) હજી શરૂ થયુ નથી. જેની કર્મચારીઓ પાલિકા પાસે લાંબા સમયથી માંગ કરી રહ્યા છે, ત્યારે ભાજપી નગરસેવકે પાલિકાના વિવિધ વિભાગોના કર્મચારીઓનું EPF શરૂ કરવાની માંગ સાથે પાલિકા મુખ્ય અધિકારીને ભલામણ પત્ર લખ્યો છે, જે પાલિકામાં ચર્ચાએ ચઢ્યો છે.
પાલિકાએ વર્ષ 2023 માં દિવાળી બોનસ પણ હજી સુધી કર્મચારીઓને ચૂકવ્યુ નથી
નવસારી વિજલપોર પાલિકા રાજ્યની સૌથી મોટી પાલિકા હોવાનો ગર્વ લે છે. પરંતુ પાલિકામાં અનેક વહીવટી ગુંચ ઉકેલવામાં પાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓ સફળ થઇ શક્યા નથી. જેથી પાલિકાના શાસક પક્ષના નગરસેવકોએ જ શાસન ચલાવનારાઓને ટકોર કરવી પડે છે. ખાસ કરીને પાલિકાના વર્ગ 4 ના કર્મચારીઓને પોતાના હક્કો માટે પણ મથામણ કરવી પડે છે. ત્યારે પાલિકાના માયનોર વિભાગ, ડ્રેનેજ વિભાગ, સેનેટરી વિભાગ, વોટર વર્કસ વિભાગ, લાઇટ વિભાગ, ફાયર વિભાગમાં કામ કરતા સ્કીલ અને અનસ્કીલ કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF) પાલિકા દ્વારા હજુ શરૂ કરવામાં આવ્યુ નથી. જેથી બાકી રહેલા તમામ કર્મચારીઓ અને નિયમાનુસાર આવતા કર્મચારીઓને પણ પગારમાં એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ચાલુ કરાવવાની માંગ સાથે વોર્ડ નં. 13 ના ભાજપી નગર સેવક અને મોટર ગેરેજ સમિતિના ચેરમેન વિજય રાઠોડે પાલિકા મુખ્ય અધિકારી જે. યુ. વસાવાને ભલામણ પત્ર લખ્યો છે. જેને પાલિકાની સામાન્ય સભાના એજન્ડામાં પણ લઇ લેવા માટેની વિનંતી કરી છે. સાથે જ ગત વર્ષ 2023 ની દિવાળીનું બોનસ પણ હજી પાલિકા દ્વારા કર્મચારીઓને ચુકવવામાં આવ્યુ નથી, જેથી એને પણ ધ્યાને રાખી, વર્ષ 2024 ના બોનસ સાથે ગત વર્ષનું બોનસ પણ આપવમાં આવે એવી માંગણી સાથે ભલામણ કરી છે.