દક્ષિણ-ગુજરાત

નવસારીના પુર અસરગ્રસ્તોને સમયસર સહાય આપવા કોંગ્રેસની માંગ

Published

on

કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યુ

નવસારી : નવસારીમાં પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપુર બાદ પાણી ઓસરતા શહેર અને તાલુકાના પુર અસરગ્રસ્તોને સમયસર સહાય આપવામાં તંત્ર દ્વારા વિલંબ કરાતા આજે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી, અસરગ્રસ્તોને વહેલી સહાય ચુકવવાની માંગ કરવામાં આવી છે.

પુરમાં અનેક લોકોને મોટાપાયે થયુ આર્થિક નુકશાન

નવસારી અને તેના ઉપરવાસના જિલ્લાઓમાં ગત ગુરૂવારે રાતે પડેલા ભારે વરસાદ બાદ નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી 31 ફૂટે પહોંચી જતા નવસારી શહેર અને તાલુકાના 14 ગામડાઓમાં પુરની સ્થિતિ બની હતી. પુરના પાણી ઓસર્યા બાદ પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ગંદકી ફેલાય છે અને લોકોને મોટાપાયે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ગત રવિવારે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પુર અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઇ તેમના હાલ જાણી, ખબર પૂછ્યા હતા. જેમાં મોટાભાગના વિસ્તારોમાં સફાઈ થઇ ન હતી અને સરકારી સહાય માટેનો સર્વે પણ થયો ન હોવાના આક્ષેપો સાથે આજે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ અને કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં પુર અસરગ્રસ્તો સાથે કોંગ્રેસીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસી આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી, પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન છેડવામાં આવે, નહીં તો રોગચાળો ફેલાવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેની સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરવામાં વિલંબ થઇ રહ્યો છે, જેથી તાત્કાલિક અસરગ્રસ્તોનો સર્વે કરી, તેમને કેશડોલ સહિત ઘર, દુકાનો અને ખેતીમાં થયેલા નુકશાનનો તાગ મેળવી સરકાર તરફથી નિયમાનુસાર થતી આર્થિક સહાય સમયસર ચુકવવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.

Click to comment

Trending

Exit mobile version