ખેડૂતોને કૃષિ યુનીવર્સીટી અને બાગાયત વિભાગના અધિકારીઓએ આપ્યુ માર્ગદશન
નવસારી : નવસારી જિલ્લાનો આદિવાસી બાહુલ વાંસદા તાલુકો નર્સરી ઉદ્યોગમાં કાઠું કાઢી રહ્યો છે. ત્યારે વાંસદા સહિત ખેરગામ અને ચીખલીના આદિવાસી ખેડૂતોને નર્સરી ઉદ્યોગ વિષે વિસ્તૃત જ્ઞાન મળી રહે એવા ઉમદા હેતૂથી વાંસદાના લાછકડી ખાતે બાયફ સંસ્થામાં નર્સરી એક ઉદ્યોગ વિષય ઉપર યાજાયેલા એક દિવસીય સેમીનારમાં 180 ખેડૂતોએ નર્સરી ઉદ્યોગ વિષે માહિતી મેળવી હતી.
વાંસદાના અનેક ગામડાઓમાં વિકસી રહ્યો છે નર્સરી ઉદ્યોગ
સુરતની સંયુક્ત બાગાયત નિયામકની કચેરી અને નવસારીની નાયબ બાગાયત નિયામક કચેરીના સંયુક્ત ઉપક્રમે GROW MORE FRUIT CROPS ઝુંબેશ અંતર્ગત ” નર્સરી – એક ઉધોગ ” વિષય ઉપર વાંસદાના લાછકડી ગામે બાયફ સંસ્થામાં ખેડૂતો માટે એક દિવસીય સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં નવસારી કૃષિ યુનીવર્સીટીના સંશોધન વૈજ્ઞાનિક ડો. બી. એમ. ટંડેલે નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ દ્વારા નર્સરી એક્રીડિએશન કઈ રીતે મેળવી શકાય, તેની વિગતવાર માહિતી આપી, ખેડૂતોને નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડમાં તેમની નર્સરી એક્રીડિએશન કરાવવા ભાર મુક્યો હતો. જેમની સાથે જ કૃષિ યુનીવર્સીટીના સંશોધન વૈજ્ઞાનિક ડો. પી. પી.પટેલ દ્વારા નર્સરી વ્યવસ્થાપનમાં રોગ નિવારણના પગલાંઓની ટેકનીકલ તથા રીસર્ચ બેઇઝ વિસ્તૃત માહિતી આપી હતી. જયારે નાયબ બાગાયત નિયામક ડી. કે. પાડલીયાએ નર્સરી સંલગ્ન ખેડૂતો સાથે નર્સરીની ગુણવત્તા, ભવિષ્યના પડકાર અને જરૂરિયાત તથા મધરબ્લોક કરવા માટેની માહિતી આપી હતી. સાથે પ્રુનીંગ અને નવી વાડીઓમાં માવજત કરવા તેમજ બાગાયત ખાતામાં ચાલતી વિવિધ યોજના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. નર્સરી વ્યવસ્થાપન તથા તેમા રોગ જીવાત વિશે ખેડૂતોએ પ્રશ્નોત્તરી કરી અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને બાગાયત કચેરીના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ખેડૂતોની સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 180 ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.