પોલીસે ઘટના સ્થળેથી કુલ 9.05 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
નવસારી : નવસારી જિલ્લાના આંતરિક માર્ગો પરથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ફરિયાદોને આધારે નવસારી LCB પોલીસે બાતમીદારોને એક્ટીવ કરી તપાસ આરંભતા ગત રોજ ગણદેવી ટાઉનના વણકરવાડ પાસેથી 1.95 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલ કાર સાથે ચાલકને પકડી પાડ્યો હતો. જયારે 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસને ગેરમાર્ગે દોરવા દારૂ ભરેલી કાર આગળ એક સરખી ત્રણ કારનું પાયલોટીંગ
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસ તંત્ર સતર્ક રહેતું હોય છે, તેમ છતાં ખેપિયાઓ વિદેશી દારૂ નવસારી તેમજ અહીંથી આગળનાં જિલ્લાઓમાં લઇ જવા માટે અનેક કીમિયાઓ અજમાવતા હોય છે. ત્યારે ગત રોજ નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમ ગણદેવી તરફ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન HC યુવરાજસિંહ જુવાનસિંહ અને HC ગણેશ દીનુંને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક મોંઘી અને લક્ઝ્યુરીસ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દમણનો યુવાન ગણદેવી ટાઉનમાંથી સુરત તરફ જનાર છે. જેની સાથે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આગળ એક જ સરખી અન્ય ત્રણ કાર પણ ચાલી રહી છે. જેથી LCB પોલીસની ટીમે ગણદેવી ટાઉનના વણકરવાડ નજીક આવેલ એક રાષ્ટ્રીય કૃત બેંક પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમી પ્રમાણે એક સરખી ત્રણ કાર પસાર થતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પણ ત્રણે કાર ઝડપથી આગળ વધી ગઈ હતી, જયારે પાછળ આવતી એક કારને રોકવામાં પોલીસ સફળ થઇ હતી. પોલીસે કારને અટકાવી, તેમાં તપાસ કરતા કારમાંથી 39 પૂઠાના બોક્ષમાંથી 1.95 લાખ રૂપિયાની વ્હીસ્કી અને બીયરની કુલ 1620 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક તેમજ નાની દમણના ભીમપોર સ્થિત સ્કૂલ ફળિયામાં રહેતા ૩૩ વર્ષીય રવિન્દ્રકુમાર ઉર્ફે દવલો પટેલની ધરપકડ કરી હતી. જયારે તેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો નાની દમણના એરપોર્ટ રોડ ખાતે રહેતા અર્જુન ઉર્ફે ખાલપો રોહિત, વલસાડ જિલ્લાના વાપીના કોચરવા ગામનો દર્શનકુમાર પટેલ અને દમણના ચેતન ઘોડીએ ભરાવી આપ્યો હતો અને ત્રણેય જણા એક જ સરખી ત્રણ કારમાં આગળ પાયલોટીંગ કરી રહ્યા હતા. જયારે વિદેશી દારૂનો જથ્થો સુરતના સાયણના બુટલેગર સુરેશે મંગાવ્યો હતો. પોલીસે રવીન્દ્રની ધરપકડ કરી, ચારેય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 7 લાખ રૂપિયાની કાર અને 10 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન મળી કુલ 9.05 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગણદેવી પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.