મહિલાઓને સશક્ત સાથે જાગૃત કરવા અઠવાડિયા સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
સુરત : ગુજરાતમાં મહિલા સુરક્ષા મુદ્દે મહિલાઓમાં જાગરૂકતા લાવવા નારી વંદન ઉત્સવ 2024 નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અઠવાડિયા સુધી ચાલનારા આ ઉત્સવના પ્રારંભે આજે સુરતના પીપલોદ સ્થિત કારગિલ ચોકથી મહિલા સુરક્ષા રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ વિભાગની મહિલાઓએ ભાગ લઇ મહિલા સશકિતકરણનો સંદેશો આપ્યો હતો.
1 થી 8 ઓગષ્ટ સુધી યોજાશે નારી વંદન ઉત્સવ
‘ નારી વંદન ઉત્સવ-૨૦૨૪ ‘ અંતર્ગત મહિલા સુરક્ષા દિન નિમિત્તે સુરત ક્રાઈમ બ્રાંચ મહિલા સેલના ACP કે. મિની જોસેફે પીપલોદના કારગિલ ચોકથી મહિલા સુરક્ષા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતુ. મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રેલીમાં શી ટીમના પોલીસકર્મીઓ તેમજ મહિલા સુરક્ષા સમિતિના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં તેમણે વિવિધ સૂત્રોચ્ચાર થકી મહિલા સશક્તિકરણનો સંદેશો પાઠવ્યો હતો. રાજ્ય સહિત સુરત જિલ્લામાં મહિલાઓને સુરક્ષિત, સશક્ત અને સુશિક્ષિત બનાવવાના હેતુથી દર વર્ષે 1 થી 8 ઓગષ્ટે ‘ નારી વંદન ઉત્સવ ’ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ દિવસે વિવિધ થીમ હેઠળ ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી આર.એન.ગામીત, ડિસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડિનેટર (DHEW) સ્મિતા પટેલ અને ટીમ તેમજ મહિલા સુરક્ષા સમિતિના સભ્યો, SHE ટીમ, PBSC, 181 મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટૉપ સેન્ટરના અધિકારીઓ હાજર રહ્યા હતા.