નવસારી : ચીખલીની સગીરાને ઉત્તરપ્રદેશમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો યુવાન બે મહિના અગાઉ ભગાડી ગયો હતો. જેને ટેકનીકલ સર્વેલન્સને આધારે શોધી, ચીખલી પોલીસે મેરઠમાં ભાડુઆત બનીને સગીરા સાથે આરોપી યુવાનને દબોચી નવસારી લાવી હતી. પોલીસે સગીરાની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ તેના માતા-પિતાને સોંપી હતી. જયારે આરોપીને નવસારી કોર્ટમાં રજૂ કરતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલાયો હતો.
બે મહિના અગાઉ સગીરા ભાગીને દિલ્હી પહોંચી અને ત્યાંથી આરોપી મેરઠ લઇ ગયો હતો
મળતી માહિતી અનુસાર, નવસારીના ચીખલી તાલુકાના એક ગામમાં મજૂરી કરતા મુળ યુપીના નંદકિશોરનો દિકરો 23 વર્ષીય ઉર્ફે સુરજ કશ્યપ ઉત્તરપ્રદેશમાં રહીને એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હતો. જે વેકેશનમાં નવસારી આવતો અને પિતા સાથે મજૂરીમાં મદદ કરતો હતો. જ્યાં ગામની એક મહિલા પણ કામે આવતી હતી, જેની સાથે ક્યારેક તેની સગીરવયની દિકરીને પણ લાવતી હતી. દરમિયાન ગૌરવને સગીરા સાથે વાત કરતા મિત્રતા થઇ હતી. બંને એકબીજાના મોબાઈલ નંબર મેળવી મેસેજ તેમજ વાતો કરતા થયા અને તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સગીરાને ગૌરવે લગ્નની લાલચ આપી, એને પોતાની પાસે બોલાવી લેવાની વાત કરી હતી. સાથે જ ગૌરવે સગીરાને ઘરેથી ભાગી, દિલ્હી સુધી પહોંચવાની વ્યવસ્થા પણ કરી લીધી હતી. દરમિયાન ગત 8 જૂન, 2024 ના રોજ સગીરા ચીખલી ગઈ હતી, પણ ત્યાંથી કોઈને પણ કંઈપણ કહ્યા વિના ભાગી ગઈ હતી. સતત ગૌરવના સંપર્કમાં રહેલી સગીરા ચીખલીથી એકલી દિલ્હી સુધી પહોંચી હતી. જ્યાં ગૌરવ પહેલેથી જ તેને લેવા માટે પહોંચ્યો હતો. સગીરા દિલ્હી પહોંચતા જ ગૌરવ તેને લઇને ઉત્તરપ્રદેશના મેરઠ પહોંચી ગયો હતો. જ્યાં બંને પતિ-પત્નીની જેમ રહેવા માંડ્યા હતા. બીજી તરફ સગીરા ઘરે ન પહોંચતા તેના પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી, સાથે જ સગીરાના પરિવારને ગૌરવ કશ્યપ પર પણ શંકા હતી. જેથી સગીરા ન મળતા તેની માતાએ ચીખલી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતા હરકતમાં આવેલી પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને શકમંદોની પૂછપરછને આધારે ગૌરવનું પગેરૂ શોધી કાઢ્યુ હતું. જેથી PSI એચ. એસ. પટેલની આગેવાનીમાં મહિલા કોન્સ્ટેબલ સાથેની એક ટીમ મેરઠ પહોંચી હતી. જ્યાં ગૌરવ કશ્યપ અને સગીરા જ્યાં રહેતા હતા, ત્યાં ભાડુઆત તરીકે પહોંચી બંનેની ખાતરી કરી, ગૌરવ કશ્યપને દબોચી, બંનેને નવસારી લાવ્યા હતા. અહીં. ગૌરવ કશ્યપ સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જયારે સગીરાની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ તેના માતા-પિતાને સોંપી છે. જયારે આજે ગૌરવને નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી ગૌરવને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.