છેલ્લા થોડા દિવસોથી શાહુમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં હતો ભય
નવસારી : નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડાઓનો ભય સામાન્ય બન્યો છે. ત્યારે પખવાડિયાથી નવસારીના શાહુ ગામે દીપડાના આંટાફેરા વધતા નવસારી સામજિક વનીકરણ વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં આજે વહેલી સવારે શિકારની લાલચે અઢી વર્ષીય માદા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત થઇ હતી.
ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર દીપડાને છોડવાની કરાશે વ્યવસ્થા
નવસારી જિલ્લામાં સૌથી વધુ દીપડા હોવાનો અંદાજ છે. જેનું કારણ નદીઓની કોતરો અને શેરડીના ખેતરો, વાડીઓ અને જંગલ વિસ્તાર. નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં ડાંગર સાથે શેરડીના ખેતરો પણ વધુ છે. સાથે જ પૂર્ણા નદીનો પટ વિસ્તાર હોવાથી અહીં દીપડાઓને રહેવા માટે અનુકુળતા રહે છે. તાલુકાના શાહુ ગામે છેલ્લા 15 દિવસોથી દીપડાના આંટાફેરા વધવા સાથે પાલતું પ્રાણીઓ અને મરઘાને શિકાર બનાવતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. દીપડાને જોતા ગ્રામજનોએ નવસારી સામાજિક વનીકરણ વિભાગના સુપા રેંજને જાણ કરી હતી. જેથી વન વિભાગ દ્વારા શાહુ ગામે મારણ સાથે પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું. થોડા દિવસોથી હાથ તાળી આપતો દીપડો આજે વહેલી સવારે શિકારની લાલચમાં પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળતા ગ્રામજનો પાંજરા પાસે ભેગા થયા હતા. બાદમાં સુપા રેંજના RFO હીના પટેલ તેમજ તેમની ટીમને જાણ કરતા વન વિભાગે શાહુ જઈ, દીપડાનો કબ્જો લીધો છે. પાંજરે પુરાયેલ દીપડો અઢી વર્ષીય માદા દીપડો છે, જેને વન વિભાગના ઉન ગામે આવેલા ડેપોમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેની આરોગ્ય તપાસ કર્યા બાદ ઉચ્ચ અધિકરીઓની સુચના અનુસાર જંગલમાં છોડવામાં આવશે.