નવસારી જિલ્લા પોલીસ દ્વારા નવસારીના શિક્ષકોને કરાયા સન્માનિત
નવસારી : વધતા જતા સોશ્યલ મીડિયાના ઉપયોગને કારણે બાળકો ઉપર તેની વિપરીત અસર પડે છે, જેમાં તરૂણ – તરૂણીઓ સોશ્યલ મીડિયાના ખોટા ભપકાથી અંજાઈ ખોટા રસ્તે જતા પણ અચકાતા નથી. ત્યારે શિક્ષકો ચાહે તો પ્રાથમિકથી ઉચ્ચત્તર માધ્યમિક સુધીના વિદ્યાર્થીઓને સોશ્યલ મીડિયાની ભ્રામક દુનિયાથી જાગૃત કરી, જીવન પથ પર સાચી દિશા બતાવી શકે છે… જેવી મહત્વની વાત સાથે શિક્ષક દિનના ઉપલક્ષ્યમાં આજે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલે નવસારી શહેરની શાળાના 120 શિક્ષકોને સન્માનિત કરી, તેમની કામગીરીને બિરદાવી હતી.
નવસારીના ઈતિહાસમાં પ્રથમવાર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શિક્ષકની ક્ષમતાને પિછાણી નવસારી શહેર અને તાલુકા વિસ્તારની પ્રાથમિકથી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 120 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના ઉપલક્ષ્યમાં નવસારી જિલ્લા પોલીસ દ્વારા મતિયા પાટીદાર વાડીમાં યોજેલા શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલે સમાજમાં સોશ્યલ મીડિયાના દુષ્પ્રભાવ વિશે વાત કરી, શિક્ષકોને મદદરૂપ થવા હાંકલ કરી હતી. સોશ્યલ મીડિયામાં બાળકોથી લઇ તરૂણો પોતાના ફોટો તેમજ અલગ અલગ રીલ બનાવી અપલોડ કરતા હોય છે. જેનો ફાયદો કેટલાક અસામાજિક તત્વો ઉઠાવે છે. ખાસ કરીને તરૂણીઓ સોશ્યલ મીડિયામાં તરૂણો અને યુવાનો દ્વારા મુકાતી ભપકાદાર જીવન શૈલીની રીલ અને ફોટો જોઈને અંજાઇ જાય છે અને ક્યારેક ખોટા નિર્ણયો લઇ બેસે છે. જેના કારણે તેમનું જીવન મુશ્કેલ ભર્યુ થઇ જાય છે. બીજી તરફ તરૂણો પણ ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે, દિલ્હી જેવા મેટ્રો શહેરના ઉદાહરણ આપી, તેમને ડ્રગ્સથી દૂર રાખવા શિક્ષકો જ એક મહત્વની ભૂમિકા નિભાવી શકેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓના માનસ ઉપર શિક્ષકોનો મોટો પ્રભાવ હોય છે. જેથી સોશ્યલ મીડિયામાં અપલોડ થતા સાચા ખોટા કન્ટેન્ટને વિદ્યાર્થીઓ સમજી શકે એ માટે શિક્ષકો સહયોગ કરે એવી અપીલ કરી હતી. સાથે જ શાળાના આચાર્યો અને શિક્ષક સંઘના આગેવાનોને પોલીસ અધિક્ષકના હસ્તે પુસ્તક અને પુષ્પ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોલીસની પહેલનો શિક્ષકોએ પણ આવકારી, વ્યક્ત કરી ખુશી
નવસારી જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલા શિક્ષકોના સન્માન સમારોહથી શિક્ષકો અભિભૂત થયા હતા. કારણ નવસારીના ઈતિહાસમાં પહેલીવાર પોલીસ વિભાગ દ્વારા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષકોએ પોલીસની પહેલને આવકારી, પોલીસ અધિક્ષક દ્વારા ડ્રગ્સ અને સોશ્યલ મીડિયાના પ્રભાવમાં બગડતા બાળકોને અટકાવવા શિક્ષકોનાં સહયોગની અપેક્ષાને પ્રામાણિક પણે પાર પાડવાના પ્રયાસો કરવાની તૈયારી દર્શાવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકે ઉપસ્થિત તમામ શિક્ષકો સાથે ફોટો પડાવી આજની ક્ષણને યાદગાર બનાવી હતી.
પોલીસ અધિકારીઓ અને શિક્ષકો રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાય, નાયબ પોલીસ અધિક્ષક દીપ પટેલ સહિત નવસારી LCB, SOG, નવસારી શહેર, નવસારી ગ્રામ્ય, જલાલપોર, વિજલપોર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરો, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.