લો લેવલ પુલ કે કોઝ્વે પાણીમાં ગરકાવ રહેતા રસ્તાઓ થયા બંધ
નવસારી : નવસારી જિલ્લામાં બે દિવસ અગાઉ નદીઓમાં આવેલા ઘોડાપુર બાદ નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે. પરંતુ હજુ પણ નદીઓમાં પાણી વધુ હોવાથી જિલ્લાના 5 તાલુકાઓના જિલ્લા પંચયાત હસ્તકના 11 રસ્તાઓ બંધ રહ્યા છે. નદીઓ અને નાળા ઉપર બનેલા કોઝવે, લો લેવલ પુલ ઉપરથી હજી પણ પાણી પસાર થતું હોવાથી તંત્ર દ્વારા રસ્તાઓ હજુ ખોલવામાં આવ્યા નથી. જેથી ગ્રામીણ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
નવસારી અને જલાલપોર તાલુકાના 4-4 અને વાંસદા, ખેરગામ અને ગણદેવીના 1-1 રસ્તા બંધ
નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની કાવેરી, અંબિકા, ખરેરા અને પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ બની હતી. જેને કારણે જિલ્લાના અંતરિયાળ અને મુખ્ય મળી 100 થી વધુ રસ્તાઓ બંધ થયા હતા. જોકે નદીઓમાં પુરના પાણી ઉતરતા જિલ્લાનું જન જીવન થાળે પડ્યુ હતું. પરંતુ નદીઓમાં જળસ્તર ઓછા થવા છતાં ઘણા રસ્તાઓ શરૂ થઇ શક્યા, પણ ઘણા રસ્તાઓ હજી પણ બંધ છે. જેમાં જિલ્લા પંચાયત હસ્તકના 5 તાલુકાઓના કુલ 11 રસ્તાઓ ઉપર આવેલા લો લેવલ પુલ કે કોઝવે નદી કે નાળાના પાણીમાં ગરકાવ રહેવાને કારણે વાહન વ્યવહાર માટે શરૂ થઇ શક્યા નથી. જેમાં નવસારી તાલુકાના નાગધરા, મહુડી અને પુનીને જોડતો માર્ગ, સુપા અને કુરેલ વચ્ચેનો માર્ગ, મોગાર વાકાસરીયા રોડ, ખડસુપા ઉન માર્ગ, જલાલપોર તાલુકાના તવડી સાગરા રોડ, તવડી સાગરાથી પાતાળકુવાને જોડતો માર્ગ, તવડી મિર્ઝાપુર માર્ગ, મંદિર મોગાર માર્ગ, ગણદેવી તાલુકાનો વલોટી ધકવાડા માર્ગ, ખેરગામ તાલુકાનો નાંધાઈના વેદાશ્રમથી ગંગેશ્વર મહાદેવ મંદિરને જોડતો માર્ગ તેમજ વાંસદા તાલુકામાં પાલગભાણથી ગામીત ફળિયાને જોડતો માર્ગ બંધ થયો છે. તમામ 11 રસ્તાઓ ઓવર ટોપિંગને કારણે બંધ થતા આ રસ્તાઓ સંલગ્ન ગ્રામજનોને 1 થી 13 કિમી લાંબો ચકરાવો લઇને પોતાના ગંતવ્ય સુધી પહોચવાની સ્થિતિ છે. જોકે નવસારી અને ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા આ રસ્તાઓ પણ વહેલા ખુલે એવી સંભાવના વધી છે.
સુપા કુરેલને જોડતો પૂર્ણા નદી ઉપર બનેલો લો લેવલ પુલ પાણીમાં રહ્યો ગરકાવ
નવસારી બારડોલી રોડ પર આવેલા સુપા ગામથી કુરેલને જોડતા પૂર્ણા નદી ઉપર બનેલા લો લેવલ પુલ પરથી આજે પણ પૂર્ણાના પાણી પસાર થઇ રહ્યા છે. જેને કારણે કુરેલ, વચ્છરવાડ સહિતના ગામોના લોકોને લાંબો ચકરાવો મારીને મુખ્ય માર્ગ સુધી આવવાની નોબત આવી છે. છેલ્લા થોડા દિવસોથી સુપા કુરેલ માર્ગ પૂર્ણા નદીના પાણીમાં ગરકાવ રહેતા ગ્રામીણોની સ્થિતિ કફોડી બની છે.