ટેમ્પો ચાલક અંધારાનો લાભ લઇ ભાગવામાં સફળ, વોન્ટેડ જાહેર
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના ગણદેવી તાલુકાના મટવાડ ગામ નજીકથી ગત રાતે ગણદેવી પોલીસે એક ટેમ્પોનો પીછો કરી પ્લાસ્ટિકના કેરેટની પાછળ સંતાડેલો 60 હજાર રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. જયારે પોલીસને જોઈ ચાલક ટેમ્પો રસ્તાની બાજુમાં મુકી અંધારાનો લાભ લઇ ભાગવામાં સફળ રહ્યો હતો.
પોલીસે વિદેશી દારૂ સાથે કુલ 5.64 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, ગણદેવી પોલીસની ટીમ ગત રાતે નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન HC મનોજકુમાર ટંડેલ અને PC જીગ્નેશ દલુને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક ભુરા રંગના મહારાષ્ટ્ર પાસીંગના ટેમ્પોમાં પ્લાસ્ટિકના કેરેટની પાછળ વિદેશી દારૂ સંતાડેલો છે અને ટેમ્પો વલસાડથી નવસારી તરફ આવી રહ્યો છે. જેને આધારે પોલીસે ગણદેવીના મટવાડ ગામ નજીક ફિલ્ડીંગ ગોઠવી હતી. ત્યારે જ બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતા, ટેમ્પો ચાલકે ટેમ્પોને પુર ઝડપે ભગાવી દીધો હતો. જેથી પોલીસે ટેમ્પોનો પીછો કરતા, ભાગી રહેલા ટેમ્પો ચાલકે રસ્તાની બાજુમાં ટેમ્પો મુકીને અંધારાનો લાભ લઇ, ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા, તેમાં પ્લાસ્ટિકના ખાલી 90 કેરેટની પાછળ પૂઠાના બોક્ષમાં ભરેલ 60 હજાર રૂપિયાની વ્હીસ્કી અને બીયરની કુલ 600 બાટલીઓ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 4500 રૂપિયાના પ્લાસ્ટિકના કેરેટ અને 5 લાખ રૂપિયાના ટેમ્પો મળીને કુલ 5.64 લાખ રૂપિયાના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી, ગણદેવી પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.