યુવાન રસ્તો ક્રોસ કરતો હતો અને બસ સાથે ભટકાતા મળ્યું મોત
નવસારી : નવસારી ગણદેવી માર્ગ ઉપર ઈટાળવા નજીક ગત રાતે રસ્તો ક્રોસ કરી રહેલો યુવાન બીલીમોરાથી નવસારી આવી રહેલી ST બસ સાથે ભટકાઈ રસ્તા ઉપર ફટકાયો હતો અને તેના ઉપરથી બસનું તોતીંગ ટાયર ફરી વળતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતુ.
ગ્રામ્ય પોલીસે બસ ચાલકની અટક કરી તપાસ આરંભી
મળતી માહિતી મુજબ, નવસારીના ઈટાળવા સ્થિત દોજી ફળિયામાં રહેતો 35 વર્ષીય રાજુ હળપતિ ક્યાંકથી પોતાના ઘરે ચાલતો જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તો ક્રોસ કરતી વેળાએ અચાનક સામેથી આવી ચડેલી, બીલીમોરાથી નવસારી આવતી સરકારી ST બસ સાથે ભટકાયો હતો. બસ સાથે અથડાઈને રાજુ રસ્તા પર પટકાયો હતો અને તેના પરથી બસનું તોતીંગ ટાયર ફરી વળતા ગંભીર રીતે ઘવાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રાજુ હળપતિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે રાહદારીઓ અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે બસ ચાલકે પણ બસ રોકી દીધી હતી. સમગ્ર મામલે નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક રાજુ હળપતિના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે ઘટના સ્થળેથી બસ ચાલકની અટક કરી, સમગ્ર મુદ્દે પોલીસે અકસ્માત મોત નોંધી તપાસને વેગ આપ્યો છે.