નવસારી : ચોમાસામાં પડેલા ભારે વરસાદમાં નવસારી વિજલપોર શહેરના મુખ્ય રસ્તાઓ સાથે જ શહેરનાં ગલી, મોહલ્લાઓના આંતરિક રસ્તાઓ પણ ખાડામાં પરિવર્તિત થતા શહેરીજનોમાં ભારે રોષ વ્યાપો છે. દરમિયાન વરસાદે વિરામ લેતા પાલિકાએ શહેરમાં લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ગેરેંટી પીરીયડના રસ્તાઓ પર પડેલા ખાડાઓના સમારકામ માટે ત્રણ રોડ કોન્ટ્રાકટરોને નોટીસ પાઠવી વહેલી તકે સમારકામ કરવાની નોટીસ પાઠવી છે. જો રસ્તાનું સમારકામ પાલિકાએ કરવુ પડ્યુ, તો એનો ખર્ચ કોન્ટ્રાકટર પાસેથી વસુલવાની ચેતવણી પણ પાલિકાએ આપી છે.
નવસારી વિજલપોર શહેરમાં શહેરીજનોએન આવન-જાવન માટે યોગ્ય રસ્તા મળી રહે એ હેતૂથી નવસારી વિજલપોર નગર પાલિકા દ્વારા રાજ્ય સરકારમાંથી મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી રસ્તાઓ બનાવડાવે છે. ટેન્ડર પ્રક્રિયાથી થતા કામોમાં શહેરના મુખ્ય સહિત આંતરિક રસ્તાઓ પાછળ દર વર્ષે લાખો કરોડો રૂપિયાના રસ્તા બનતા હોય છે. શહેરના ટ્રાફિકને ધ્યાને રાખીને રોડ કોન્ટ્રાકટરોએ રસ્તાની મજબૂતાઇ રાખી રસ્તા બનાવવાના હોય છે અને આ રસ્તાની ત્રણ વર્ષોની ગેરેંટી પણ કોન્ટ્રાકટરો પાસેથી લેવામાં આવે છે. પરંતુ રસ્તા બનાવવામાં હલકી ગુણવત્તાના મટેરિયલ અને યોગ્ય રીતે કામ ન કરવાને કારણે પહેલા ચોમાસે જ રસ્તાઓ ધોવાઇ જાય અને ખાડા પડી જાય છે. દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ ઉપર પડતા ખાડાઓ બાદ તેના ગેરેન્ટી પીરીયડમાં સમારકામ કરવાનું હોય છે, પણ કોન્ટ્રાકટરો પોતાની જવાબદારી નિભાવવામાં આળસ કરતા હોય છે. ત્યારે નવસારી વિજલપોર પાલિકા એક્શન મોડમાં આવી છે અને શહેરમાં વર્ષોથી રસ્તા બનાવતા કોન્ટ્રાકટરોને નોટીસ આપી રસ્તામાં પડેલા ખાડાઓને પુરી પેચવર્ક કરવા માટેની સૂચના આપી છે. જેની સાથે જ જો પાલિકાએ રસ્તાઓનું સમારકામ કરવા પડ્યુ, તો કોન્ટ્રાકટર પાસે ખર્ચ લેવાની કડક ચેતવણી પણ આપી છે.
નવસારી શહેરમાં વર્ષોથી રસ્તા બનાવવાવાળા કોન્ટ્રાકટરો પણ એક જ, તેમ છતાં મજબૂત રસ્તા નહીં..!!
નવસારી વિજલપોર શહેર અસ્તિત્વમાં આવ્યા પૂર્વે નવસારી અને વિજલપોર બંને શહેરોમાં રસ્તા બનાવતા કોન્ટ્રાકટર વર્ષોથી એક જ છે. વર્ષોથી ગાંધી રોડ બિલ્ડર્સ, જે. એમ. શાહ સહિતના કોન્ટ્રાકટરો શહેરમાં રસ્તાઓ બનાવી રહ્યા છે. શહેરમાં પાછલા વર્ષોમાં આ કોન્ટ્રાકટરોને દ્વારા કરોડો રૂપિયાના રસ્તા બનાવ્યા છે. તેમ છતાં ક્યાં તો શહેરના ટ્રાફિકને ધ્યાનમાં નથી લેવાતો અથવા રસ્તામાં વપરાતું મટેરિયલ હલકી કક્ષાનું હોવાને કારણે પ્રથમ ચોમાસે જ રસ્તાઓમાં ખાડા પડતા શહેરીજનોએ હાલાકી વેઠવાનો વારો આવે છે. આ વર્ષે પણ ગેરેંટી પીરીયડવાળા 18 રસ્તાઓના સમારકામ માટે પાલિકાએ એજ જુના અને જાણિતા રોડ કોન્ટ્રાકટરો ગાંધી રોડ બિલ્ડર્સ, જે. એમ. શાહ અને મહેન્દ્ર પટેલને નોટીસ પાઠવી છે.