Connect with us

તહેવાર

ગણેશ વિસર્જન : નવસારીમાં 3 ઓવારાઓ પરથી અપાશે વિઘ્નહર્તાને વિદાય

Published

on

પોલીસ અધિકારીઓ સાથે 1000 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો

 નવસારી : દસ દિવસ સુધી ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપ્પાની આરાધના કર્યા બાદ આવતી કાલે ગણેશ ભક્તો ભારે હૈયે બાપ્પાને વિદાય આપશે. ગણેશ વિસર્જનને લઇ નવસારી પાલિકા તેમજ વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગે પર તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ખાસ કરીને જિલ્લામાં 54 સ્થળોએ ગણેશ વિસર્જન થશે, જેમાં 1,000 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે.

નવસારીમાં વિરાવળ ઓવારા પાસે 3 મોટી ક્રેનની વ્યવસ્થા કરાઈ

નવસારી વિજલપોર શહેર સહિત જિલ્લામાં ભક્તિભાવથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. જિલ્લામાં ગણેશ મંડળો દ્વારા અવનવી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરી, ગણેશ ભક્તોને બાપ્પાના વિવિધ રૂપના દર્શન કરાવ્યા છે. 10 દિવસ દરમિયાન ગણેશ ભક્તોએ શ્રદ્ધા ભાવથી બાપ્પાની પૂજા અર્ચના કરી, ભજનોની રમઝટ બોલાવી, વિઘ્નહર્તાને પ્રસન્ન કરવાના પ્રયાસો કર્યા હતા. આવતી કાલે અનંત ચૌદસ છે, ત્યારે વિનાયકની વિદાય થશે. એકદંતને વિદાય આપવા માટે ભક્તો દ્વારા ભારે હૈયે તૈયારીઓ શરૂ કરાય છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર, નવસારી વિજલપોર પાલિકા દ્વારા વિસર્જન સ્થળોએ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં કુલ 54 સ્થળોએ ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે નવસારીના વિરાવળ ઓવારા પાસે નાની મોટી મૂર્તિ મળી 5000 થી વધુ ગણેશ પ્રતિમાઓનું પૂર્ણા નદીમાં વિસર્જન થશે. ત્યારે વિરાવળ ઓવારા પાસે નવસારી પાલિકા દ્વારા ત્રણ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બે ક્રેન કાર્યરત રહેશે અને એકને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. જેની સાથે જ નદી કિનારે બનાવેલા કૃત્રિમ તળાવમાં POP ની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે. જેથી નદીને પ્રદૂષિત થતી બચાવી શકાય. સમગ્ર વિસર્જન દરમિયાન નવસારી વિજલપુર નગરપાલિકા તેમજ સ્થાનિક તરવૈયાઓ અને ગણેશ સંગઠન મળી 400 થી વધુ લોકો સેવા આપશે. ફક્ત વિરાવળ ઓવારા પાસે કર્મચારીઓ તેમજ સ્થાનિક તરવૈયાઓ અને અન્ય મળી 250 લોકો કાર્યરત રહેશે. વિસર્જન યાત્રા દરમિયાન કોઈપણ મુશ્કેલી ન પડે એ માટે ગણેશ સંગઠન દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ખાસ ગણેશ મંડળો પોતાના ગણપતિજીને સમયે ઉત્થાપન કરાવી યાત્રામાં જોડાય એવી અપીલ સંગઠન પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. સાથે જ એક મંડળના કાર્યકરો બીજા મંડળ સાથે ઘર્ષણમાં ન ઉતરે એનું ધ્યાન રાખવા પર મંડળ આયોજકોને સૂચના આપવામાં આવી છે.

નવસારી પોલીસ અધિક્ષક સાથે 3 DySP ના માર્ગદર્શનમાં નીકળશે વિસર્જન યાત્રા

અનંત ચૌદસને ગણેશ વિસર્જનને ધ્યાને લઇ જિલ્લા પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. પોલીસ દ્વારા વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ ગણેશ મંડળોને જે 54 સ્થળો વિસર્જન માટે નક્કી કરવામાં આવ્યા છે, ત્યાંથી જ વિસર્જન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. જેની સાથે વિસર્જન દરમિયાન નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલના માર્ગદર્શનમાં 3 DySP, 18 પોલીસ ઇન્સ્પેક્ટર, 40 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસકર્મીઓ અને હોમગાર્ડ મળી 1,000 થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેની સાથે વિસર્જન યાત્રામાં ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. જ્યારે વિસર્જન દરમિયાન ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી વિસર્જન યાત્રા કોઈપણ પ્રકારના છમકલા વિના નિર્વિઘ્ને પૂર્ણ થાય.

તહેવાર

નવસારીમાં વિઘ્નહર્તાની વિદાયમાં દિવ્યાંગ બાળાનો નિશ્ચલ પ્રેમ અને પોલીસની પ્રશંસનીય પહેલ

Published

on

By

ઓવારા પર દિવ્યાંગ બાળા બાપ્પાને ભેટીને રડી પડી; તો વહેલા વિસર્જન માટે પહોંચેલા ગણેશ મંડળોને પોલીસે ‘ગુલાબ’ આપ્યા

નવસારી : દસ દિવસ સુધી મન મૂકીને પૂજા-અર્ચના કર્યા બાદ નવસારી શહેરમાં આજે વિઘ્નહર્તા શ્રીજીને ભારે હૈયે વિદાય આપવામાં આવી રહી છે. ભક્તિ અને ઉલ્લાસ વચ્ચે નવસારીના વિસર્જન ઓવારાઓ પર આજે બે અનોખા અને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ભક્ત અને ભગવાન વચ્ચેનો લાગણીસભર સંબંધ અને બીજી તરફ પોલીસ તથા નાગરિકો વચ્ચેના સુચારુ સહયોગનું ઉત્તમ ઉદાહરણ.

ખુરશી પર આવેલી દિવ્યાંગ બાળા બાપ્પાને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી

નવસારીના વિરાવળ વિસર્જન ઓવારા પર આજે એક અત્યંત ભાવુક ક્ષણ સર્જાઈ હતી. એક પરિવાર પોતાના ઘરના નાના ગણપતિનું વિસર્જન કરવા માટે પોતાની દિવ્યાંગ બાળાને ખુરશી પર બેસાડીને આસ્થાના ઓવારે લાવ્યો હતો. દસ દિવસ સુધી ઘરમાં મહેમાન બનીને રહેલા દાદાને વિદાય આપવાનો સમય આવ્યો, ત્યારે આ દિવ્યાંગ બાળા પોતાની લાગણીઓ રોકી નહોતી શકી. વિસર્જન પૂર્વે બાળા શ્રીજીની પ્રતિમાને ગાઢ ભેટી પડી હતી અને તેની આંખોમાંથી અશ્રુની ધારા વહી નીકળી હતી. બાપ્પાના વિરહમાં બાળાને રડતી જોઈને ત્યાં હાજર અન્ય ભક્તો અને તંત્રના કર્મચારીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બાદમાં પરિવારજનોએ તેને વહાલથી સમજાવીને શાંત પાડી હતી અને ભાવભીના અંબર સાથે શ્રીજીની પ્રતિમાને જળમાં વિસર્જિત કરી હતી.

પોલીસની અનોખી પહેલ: સમયસર વિસર્જન કરનારા મંડળોનું પોલીસે ‘ગુલાબ’ આપી કર્યું સન્માન

બીજી તરફ, સમગ્ર વિસર્જન યાત્રા નિર્વિઘ્ને અને સમયસર પૂર્ણ થાય તે માટે નવસારી ટાઉન પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને સકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો. વિસર્જન પ્રક્રિયામાં જોડાયેલા હજારો સુરક્ષા કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓને મોડી રાત સુધી ઉજાગરા ન કરવા પડે અને વ્યવસ્થા સચવાય તે માટે પોલીસે મંડળોને વહેલું વિસર્જન કરવા અપીલ કરી હતી. જેને માન આપીને જે ગણેશ મંડળો સમયસર વિસર્જન યાત્રામાં જોડાયા અને વહેલા ઓવારા પર પહોંચ્યા, તે તમામ મંડળોનું નવસારી ટાઉન PI કે.ડી. નકુમ અને તેમની ટીમે ગુલાબનું ફૂલ આપીને સન્માન કર્યું હતું. મંડળોએ પણ પોલીસની આ અપીલ અને સન્માનની પદ્ધતિને ઉષ્માભેર આવકારીને કાયદા-વ્યવસ્થા અને સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Continue Reading

તહેવાર

અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય: નવસારીમાં હજારો શ્રીજી પ્રતિમાઓનું ભાવસભર વિસર્જન

Published

on

By

ગુલાલની ડમરીઓ, ડીજેના તાલ અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન પર્વ સંપન્ન

નવસારી : દસ-દસ દિવસ સુધી મંડપોમાં રેલાયેલી અનન્ય ભક્તિ, મહાઆરતીના મધુર સૂર અને અવિરત સેવા-પૂજા બાદ આજે નવસારી જિલ્લો એક અત્યંત લાગણીસભર ક્ષણનો સાક્ષી બન્યો હતો. વિઘ્નહર્તા શ્રીજીને આગામી વર્ષે વહેલા આવવાના ભાવભીના નિમંત્રણ સાથે હજારો ભક્તોએ અશ્રુભીની આંખો અને ભારે હૈયે વિદાય આપી હતી. સવારથી જ નવસારીના માર્ગો ગુલાલની ગુલાબી ડમરીઓ અને ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ’ ના જયઘોષથી ગુંજી ઊઠ્યા હતા. વિરાવળ પૂર્ણા નદીના ઓવારેથી લઈને દાંડીના અનંત દરિયા કિનારા સુધી સમગ્ર વાતાવરણ ગણપતિમય અને ભક્તિરસમાં સરોબોર બની ગયું હતું.

પૂર્ણાના ઓવારેથી દાંડીના દરિયા સુધી અંદાજે 20 હજાર પ્રતિમાઓ વિસર્જિત

ડીજે, ઢોલ-નગારા અને બેન્ડવાજાના તાલ પર ઉડતા ગુલાલ વચ્ચે ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો, પરંતુ સાથે જ દરેક શ્રદ્ધાળુના હૃદયમાં દાદાના જવા નો અજંપો અને વિરહ સ્પષ્ટપણે છલકાતો હતો. નવસારી શહેરના વિરાવળ સ્થિત પૂર્ણા નદીના ઓવારે, ધારાગિરી, જલાલપોર તેમજ દાંડીના વિશાળ દરિયા કિનારે નાની-મોટી મળીને હજારો ગણેશ પ્રતિમાઓનું પૂર્ણ શ્રદ્ધા અને વિધિવિધાન સાથે જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. માત્ર શહેર જ નહીં, પરંતુ બીલીમોરા, ગણદેવી સહિત ગ્રામ્ય વિસ્તારોના નદીઓ, તળાવો અને કૂત્રિમ કુંડ પણ બાપ્પાના વિસર્જન સાથે ગણપતિમય બન્યા હતા. ભક્તોએ જળમાં પ્રતિમા પધરાવતી વખતે આરતી ઉતારી, ચરણસ્પર્શ કરી દાદાના આશીર્વાદ લીધા હતા.

ચોકસાઈભર્યું તંત્ર : 1898 જવાનો, ડ્રોન સર્વેલન્સ અને સાયબર મોનિટરિંગથી શોભાયાત્રા રહી સુરક્ષિત

નવસારી શહેર સહિત જિલ્લામાં વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અભેદ સુરક્ષા ચક્ર રચવામાં આવ્યું હતું. સમગ્ર વિસર્જન રૂટ પર કોઈ વિઘ્ન ન આવે તે માટે, પોલીસ અધિકારીઓ, પોલીસકર્મીઓ, હોમગાર્ડ, GRD, તાલીમાર્થીઓ મળીને 1998 પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિસર્જન યાત્રામા મંડળોના આગેવાનનો મોબાઈલ ફોન GPS ટ્રેકર સાથે જોડી, ડ્રોન સર્વેલન્સ અને સાયબર મોનિટરિંગ દ્વારા ટેકનિકલ સર્વેલન્સથી ટ્રાફિક અને સાયબર પોલીસ દ્વારા પળેપળની હિલચાલ પર કડક નજર રાખવામાં આવી હતી. તંત્રના ઉત્કૃષ્ટ આયોજન અને નાગરિકોના સહયોગના કારણે સમગ્ર નવસારી જિલ્લામાં શ્રીજીની આ ભવ્ય વિદાય વેળા એકદમ સુરક્ષિત, સૌહાર્દપૂર્ણ અને આનંદદાયક વાતાવરણમાં વિસર્જન યાત્રા સંપન્ન થઈ હતી.

Continue Reading

તહેવાર

‘અગલે બરસ તૂ જલ્દી આ’: નવસારીના લીલાબાના ભક્તોએ વિઘ્નહર્તાને આપી અશ્રુભીની વિદાય

Published

on

By

ગરબાના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા, મહાપ્રસાદ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ

નવસારી : નવસારી શહેરમાં સાત દિવસ સુધી શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસપૂર્વક ઉજવાયેલા ગણેશોત્સવની આજે ભાવસભર વાતાવરણમાં પૂર્ણાહુતિ થઈ હતી. નવસારીના લીલાબા એપાર્ટમેન્ટમાં ગણેશજીની સાત દિવસ સુધી અવિરત સેવા-પૂજા કર્યા બાદ, આજે ભક્તોએ ભારે હૃદયે અને ભીની આંખે પોતાના પ્રિય દાદાને વિદાય આપી હતી. ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ’ના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ શ્રદ્ધા અને ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

વિદાય પૂર્વે ધાર્મિક વિધિ અને ઉલ્લાસભર્યો માહોલ

નવસારીના ગણદેવી રોડ પર આવેલા વસંત વિહાર સોસાયટી સ્થિત લીલાબા એપાર્ટમેન્ટમાં બિરાજીત શ્રી વિઘ્નહર્તા ગણેશજીની આજે સાતમા દિવસે બપોરે બ્રાહ્મણના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભાવિક ભક્તોએ દાદાને ભાવપૂર્વક આરતી કરી થાળ ધરાવ્યો હતો. ત્યાર બાદ ગણેશજીનું ઉત્થાપન કરવામાં આવ્યું ત્યારે ભક્તોના ચહેરા પર દાદાના વિયોગની ક્ષણો સ્પષ્ટ દેખાતી હતી. વિદાયની આ ભાવુક પળો વચ્ચે પણ ભક્તોએ ઉત્સાહ જાળવી રાખી ઢોલ-નગારાના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી અને વિઘ્નહર્તાને આવતા વર્ષે વહેલા આવવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.

દાંડીના દરિયાકિનારે અશ્રુભીની વિદાય અને મહાપ્રસાદ

પૂજા-વિધિ અને ગરબાની ઉત્સાહભરી ક્ષણો બાદ, ભગવાની પ્રતિમાને વાજતે-ગાજતે વિસર્જન વાહનમાં વિરાજમાન કરી ઐતિહાસિક દાંડીના દરિયાકિનારે લઈ જવામાં આવી હતી. જ્યાં લીલાબા એપાર્ટમેન્ટના ઉત્સાહી યુવા ભક્તોએ બાપ્પાની પ્રતિમાને દરિયાના ઘુઘવતા મોજાંઓ વચ્ચે લઈ જઈને પૂર્ણ શ્રદ્ધા અને વિધિવત રીતે વિસર્જિત કરી હતી. વિદાયની આ ક્ષણે અનેક ભક્તોની આંખો છલકાઈ ગઈ હતી. વિસર્જનની ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ તમામ ભક્તોએ એકસાથે મહાપ્રસાદનો આનંદ માણી સાત દિવસના આ ભવ્ય ગણેશોત્સવની સાર્થક પૂર્ણાહુતિ કરી હતી.

Continue Reading
Advertisement

Trending