કૃષિ

નવસારીના મોલધરા ગામેથી કદ્દાવર દિપડો પાંજરે પુરાયો

Published

on

પખવાડિયામાં પૂર્વ પટ્ટીના ગામમાંથી બીજો દીપડો પકડાયો

નવસારી : નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડાઓના રહેણાંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો છે. 10 દિવસ અગાઉ શાહુ ગામેથી માદા દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ મુનસાડ ગામે દીપડાએ શ્વાનનો શિકાર કર્યાનો લાઈવ વીડિયો વાયરલ થયો હતો. ત્યાં મોલધરા ગામે થોડા દિવસોથી દીપડાની લટાર હોવાથી મુકેલા પાંજરામાં આજે વહેલી સવારે દીપડો શિકારની લાલચમાં પાંજરે પુરાયો હતો. ઘટનાની જાણ નવસારી વન વિભાગને થતા દીપડાનો કબજો લઈ તેને જંગલમાં છોડવાના પ્રયાસો આરંભ્યા છે.

ત્રણ દિવસ અગાઉ ગોઠવેલા પાંજરામાં ચાર વર્ષનો દીપડો શિકારની લાલચમાં ભેરવાયો

નવસારી જિલ્લામાં સૌથી વધુ દીપડાઓ હોવાનું નિષ્ણાંતો માને છે. ત્યારે નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં છેલ્લા 15 દિવસોમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. ગત 4, સપ્ટેમ્બરના રોજ નવસારીના શાહુ ગામેથી શિકારની લાલચમાં માદા દિપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા શાહુના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ તેના થોડા જ દિવસોમાં મુનસાડ ગામે મોડી રાતે ઘર આંગણામાં સુતેલા શ્વાન ઉપર દીપડાએ ધીમે પગલે આવી, તરાપ મારીને શ્વાનનો શિકાર કર્યો હતો. આ ઘટના ઘરના CCTV કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા, મુનસાડ સહિત આસપાસના ગામડાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. દરમિયાન મોલધરા ગામે પણ દીપડાના આંટા ફેરા વધ્યા હતા. ત્રણ દિવસ અગાઉ પણ ગામમાં દીપડો દેખાતા, વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જના અધિકારીઓએ મોલધરા ગામે મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતુ. જેમાં આજે વહેલી સવારે એક કદ્દાવર એવો અંદાજે 4 વર્ષનો દીપડો શિકારની લાલચમાં ભેરવાયો હતો. પાંજરે પુરાતા દીપડાની દહાડે ગ્રામજનોને ભયમાં મુક્યા હતા. જેથી પાંજરા નજીક જઈ તપાસ કરતા તેમાં કદ્દાવર દીપડો દેખાયો હતો. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા સુપા રેન્જના વનકર્મીઓ દ્વારા દીપડાનો કબ્જો લઈ, તેને ઉન ખાતેના ડેપોમાં રાખવામાં આવ્યો છે. જ્યાં દીપડાની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ તેને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version