વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ગીર સોમનાથના કોડીનાર પહોચાડવાનો હતો
નવસારી : મહારાષ્ટ્રથી લાખોનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સુરત તરફ જનાર હોવાની બાતમીને આધારે નવસારી LCB પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર ચીખલી ઓવર બ્રીજ નજીકથી 13.74 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. જયારે વિદેશી દારૂ ગીર સોમનાથના કોડીનાર ખાતે પહોંચાડવાનો હતો, પોલીસે અન્ય 6 લોકોને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.
નવસારી LCB પોલીસે ઘટના સ્થળેથી 23.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ આજે ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન LCB ના HC લાલુસિંહ ભરતસિંહ અને HC દિગ્વિજયસિંહ રવજીભાઇને બાતમી મળી હતી કે એક બ્રાઉન રંગનો મહારાષ્ટ્ર પાસીંગનો ટેમ્પો ખાખી પૂઠામાં પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઇને સુરત તરફ નિકળ્યો છે. જેથી LCB પોલીસની ટીમેં NH 48 પર ચીખલી ઓવરબ્રિજના ઉત્તર છેડે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, ટેમ્પોમાં પાર્સલના બોક્ષમાં 13.74 લાખ રૂપિયાની વ્હીસ્કી બીયરની કુલ 7572 બાટલીઓ અને ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના નગલા છીદુ ગામના 35 વર્ષીય રીન્કુ ઇલાયકેદાર રાજપૂત અને ક્લીનર તથા ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના નગલા મુકુન્દ ગામના 22 વર્ષીય સુખદેવ રામવિલાસ સીંગની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો નોઇડાના આશીશે તેમજ મહારાષ્ટ્રના બે અજાણ્યા શખ્સોએ ભરાવી આપ્યો હતો. જેને અન્ય બે અજાણ્યા શખ્સો મહારાષ્ટ્રના ચીંચોટી ફ્લાય ઓવરબ્રિજ નીચે દારૂ ભરેલ ટેમ્પો આપી ગયા હતા. જયારે દારૂ ભરેલ ટેમ્પો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે પહોંચાડવાનો હતો, જ્યાં એક અજાણ્યો ટેમ્પો લેવા આવવાનો હતો. જેથી પોલીસે આશિષ સહિત 6 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 10 લાખ રૂપિયાનો ટેમ્પો, 10,500 રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 23,84,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ચીખલી પોલીસ મથકમાં ફરિયાદનોંધાવી તપાસને વેગ આપ્યો છે.