નવસારી : નવસારીમાં 10 દિવસ સુધી ભક્તિ ભાવ અને શ્રદ્ધાથી શ્રી ગણેશજીની આરાધના કર્યા બાદ આજે શ્રીજી ભક્તોએ બાપ્પાને અશ્રુભીની આંખે અને ભારે હૃદયે પૂર્ણાના ઓવારેથી વિદાય આપી હતી. વહેલી સવારથી ઘરના અને નાના મંડળોના એકદંતની પ્રતિમાઓનો વિસર્જન શરૂ થયું હતુ. જ્યારે બપોર બાદ મોટી પ્રતિમાઓનું વિસર્જન શરૂ થશે.
નવસારીમાં અત્યાર સુધીમાં 1671 નાની અને 58 મોટી પ્રતિમાઓનું થયું વિસર્જન
નવસારી શહેર અને જિલ્લામાં ગણેશ ભક્તોએ દસ દિવસ સુધી શ્રી વિનાયકની હૃદયના ઉમળકાથી પૂજા અર્ચના કરી હતી. શહેરમાં અનેક ઠેકાણે 10 થી 25 ફૂટ ઊંચી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતુ. અનેક મંડળોમાં લાખોના ખર્ચે કરેલા ડેકોરેશનને જોવા, સાથે જ શ્રી ગણેશજીના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. દસ દિવસ પૂર્ણ થતા આજે અનંત ચતુર્દશીના પાવન પર્વ પર ભક્તોએ ભારે હૃદયે ભક્તોએ બાપ્પાની વિદાયની તૈયારી કરી હતી. ઢોલ નગારા તેમજ DJ ના તાલે નૃત્ય કરતા ભવ્ય વિસર્જન યાત્રા કાઢી હતી. સવારથી નવસારી વિજલપોર શહેરના વિરાવળ, ધારાગીરી અને જલાલપોર સ્થિત સરસ્વતી માતાજીના મંદિર પાસેના ઓવારા પાસે હજારો ગણેશ ભક્તો નાની અને મોટી પ્રતિમાઓ લઈને પહોંચ્યા હતા. ખાસ કરીને શહેરની અંદાજિત 300 જેટલી વિશાળ પ્રતિમાઓનું વિરાવળ ખાતે પૂર્ણા નદીના ઓવારાથી વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિરાવળ ઓવારા પાસે બે કૃત્રિમ તળાવમાં POP ની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે. જ્યારે બે મોટી ક્રેન મારફતે મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સવારથી અત્યાર સુધીમાં 1671 નાની અને 58 મોટી પ્રતિમાઓનું વિસર્જન વિરાવળ ગામના તરવૈયાઓ દ્વારા કરાવવામાં આવ્યું છે. હવે શહેરની જાણીતી અને મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળશે. જેને જોવા લાખોની સંખ્યામાં શ્રીજી ભક્તો નવસારીના રાજમાર્ગો ઉપર ઉમટી પડશે. જ્યારે રાજકીય પક્ષો દ્વારા પણ શ્રી ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન યાત્રા દરમિયાન ફુલહાર અર્પણ કરી સ્વાગત કરવામાં આવશે.