આર્થિક સ્થિરતા, લાભકારક વ્યસ્થાપન, જાહેર સંબંધો અને સામાજિક પ્રવૃતિઓ, કુલ વ્યાપાર અને વિસ્તરણ કેટેગરીમાં મળ્યા એવોર્ડ
નવસારી : નવસારી જિલ્લાની એક માત્ર અને પોતીકી કહી શકાય એવી ગણદેવી પીપલ્સ કો-ઓપરેટીવ બેંકની અવિરત વિકાસ ગાથાને દક્ષિણ ગુજરાત નાગરિક સહકારી બેંક એસોસિએશન (SCOBA) એ 4 એવોર્ડથી સન્માનિત કરી નાગરિકોના વિશ્વાસની મહોર લગાવી છે. સ્કોબા દ્વારા આર્થિક સ્થિરતા, લાભકારક વ્યસ્થાપન, જાહેર સંબંધો અને સામાજિક પ્રવૃતિઓ, કુલ વ્યાપાર અને વિસ્તરણ કેટેગરીમાં બેંકની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને રાખીને એવોર્ડ આપવામાં આવ્યા છે.
ગણદેવી પીપલ્સ બેંકની 250 કરોડથી વધુની ડિપોઝીટ સામે 164 કરોડથી વધુનું ધિરાણ
દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે કામ કરનારી બેંકોના બનેલા દક્ષિણ ગુજરાત નાગરિક સહકારી બેંક એસોસિએશન (SCOBA) દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનારી સહકારી બેંકોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પંજાબના અમૃતસરમાં યોજાયેલા 16 માં એવોર્ડ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોને તેમની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને રાખીને કેટેગરી અનુસાર એવોર્ડ આપવમાં આવ્યા હતા, જેમાં ગણદેવી પીપલ્સ કો. ઓપરેટીવ બેંકને 4 એવોર્ડ મળ્યા છે.
ટેકનોલોજીનો ઉપયોગ કરી સુરક્ષિત ઈ બેન્કિગ આપવાના બેંકના પ્રયાસો
નવસારી જિલ્લામાં ગણદેવી સહિત બીલીમોરા, ચીખલી, વિજલપોર, કબીલપોર મળી કુલ 5 શાખાઓ ધરાવતી ગણદેવી પીપલ્સ કો ઓપરેટીવ બેંક પાસે 250 કરોડથી વધુની ડિપોઝીટ છે, જેની સામે બેકે 164 કરોડ રૂપિયાનું ગ્રાહકોને ધિરાણ આપ્યુ છે. ફક્ત ગણદેવીની મુખ્ય શાખા પાસે જ 100 કરોડથી વધુની ડિપોઝીટ છે. ત્યારે બેંકની આર્થિક સ્થિરતા, લાભકારક વ્યવસ્થાપન સાથે જ બેંકના જાહેર સંબંધો અને સામાજિક ક્ષેત્રે થતી પ્રવૃત્તિઓ તેમજ બેંકનો કુલ વ્યાપાર અને વિસ્તરણન જેવી 4 કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને રાખીને સ્કોબા દ્વારા બેંકને 4 એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવી છે. ગણદેવી પીપલ્સ બેંક પારદર્શી વહિવટ, થાપણ અને ધિરાણમાં સતત વૃદ્ધિ સાથે આધુનિક સમયમાં અન્ય બેંકો સાથે તાલથી તાલ મિલાવી વિકાસ પથ પર આગળ વધી રહી છે, બેંક દ્વારા ઇ-ટેકનોલોજીનો ઉપયોગ કરી ગ્રાહકોને મોબાઈલ એપ્લીકેશન અને ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા સુરક્ષિત બેન્કિંગ સેવા આપવાના સતત પ્રયાસ થઇ રહ્યા છે.
ગણદેવી પીપલ્સ બેંકની અભૂતપૂર્વ સિદ્ધિથી સભાસદો અને ગ્રાહકોમાં ખુશી
બેંકે સ્કોબામાં એવોર્ડ મેળવવાની પોતાની પરંપરા જાળવી, ફરી ઈતિહાસ રચતા બેંકના સભાસદો, ગ્રાહકો તેમજ સામાજિક, સહકારી અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓએ બેંકના પ્રમુખ ગોપાળ ગોહિલ, મેનેજર હિમાંશુ વૈદ્ય સહિત બેંકના અન્ય પદાધિકારીઓ, ડિરેક્ટર્સ અને અધિકારી, કર્મચારીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.