રેલ્વે ટ્રેક પર રીલ બનાવ્યાની જાણ થતા જ રેલ્વે પોલીસ એક્શનમાં
નવસારી : સોશ્યલ મીડિયામાં ફેમસ થવા અને વધુમાં વધુ રીચ મેળવવા યુવાનો કાયદાને પણ ગાંઠતા નથી અને હોશિયારી બતાવી રીલ બનાવતા થયા છે. નવસારીની સોશ્યલ મીડિયા ક્રીએટર સલોની ટંડેલે પણ વધારે રીચ મેળવવા હોશિયારી દેખાડી, જોખમી રીતે યુવાનો સાથે બોલીવુડ ગીત ઉપર રીલ બનાવી, તેને સોશ્યલ મીડિયામાં અપલોડ પણ કરી હતી. રેલ્વે ટ્રેક ઉપર રીલ બનાવ્યાની જાણ થતા જ રેલ્વે પોલીસ એક્શનમાં આવી છે અને સલોની ટંડેલને કાયદાનું ભાન કરાવવાની તજવીજ હાથ ધરી છે.
સોશ્યલ મીડિયામાંથી સારી આવક મળે છે એવી જાણ થતા જ યુવાનો સાથે મોટેરાઓ પણ ફોટો, વીડિયો, રીલ, શોર્ટ્સ બનાવવા પાછળ એટલા ઘેલા થયા છે, કે ઘણીવાર રીચ મેળવવાની લાલચે કાયદાને પણ હાથમાં લઇ લે છે. જોકે રીલ બનાવી કાયદાનો ભંગ કરનારાને પોલીસ વિભાગ દ્વારા સબક પણ શીખવાડવામાં આવે છે, પણ ફેમસ થવા સાથે વધુમાં વધુ રીચ મેળવવા ક્રીએટર્સ હોશિયારી દેખાડે છે અને થોડી મિનિટોમાં શું થઇ જશેનું વિચારી જાહેર માર્ગ પર, ઉંચા પુલ ઉપર, રેલ્વે ટ્રેક ઉપર, મોપેડ ચલાવતા વગેરે રીતે કાયદાનો ભંગ કરતા રહે છે. નવસારીની સોશ્યલ મીડિયા ક્રીએટર સલોની ટંડેલ પણ આવા અખતરા કરતી રહે છે. તેના પાર્ટનર સાથે જાહેર માર્ગ ઉપર ઘણી રીલ બનાવ્યા બાદ સલોનીએ નવસારીના રેલ્વે ટ્રેક ઉપર 5 યુવાનો સાથે બોલીવુડ ગીત ઉપર રીલ બનાવી અને તેને પોતાના સોશ્યલ મીડિયા પેજ ઉપર અપલોડ પણ કરી હતી. જે રેલ્વે પોલીસ સુધી પહોંચતા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે રેલ્વે ટ્રેક પર રીલ બનાવનાર સલોની ટંડેલને ફોન કરીને પોલીસ મથકે હાજર થવા ફરમાન કર્યુ છે. સાથે જ તેની સામે લાઈન ક્રોસ કરવા અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાની માહિતી મળી છે.