નવસારી : નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો છે, ત્યારે આજે વહેલી સવારે આરક સિસોદ્રા ગામેથી એક કદ્દાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગને જાણ થતા દીપડાનો કબ્જો લઇ, તેને ઉન ડેપો ખાતે ખસેડી, આરોગ્ય તપાસ કરાવીને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.
નવસારી જિલ્લો અને ખાસ કરીને નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં છેલ્લા થોડા દિવસોથી દીપડા દેખાવા સાથે જ પાલતું પશુઓનો શિકાર કરવાની ઘનતા મોબાઈલ તેમજ CCTV કેમેરાઓમાં કેદ થતી આવી છે. દીપડાઓ મરઘા, બકરા, વાછરડા, શ્વાન વગેરે પશુઓને પોતાનો શિકાર બનાવતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ખેડૂતો અને ખેત મજૂરો ખેતરમાં જતા પણ અચકાઈ રહ્યા છે, ત્યારે પૂર્વ પટ્ટીના આરક સિસોદ્રા ગામે થોડા દિવસોથી દીપડો પશુઓ અને મરઘાના શિકાર કરી રહ્યો હતો. દીપડાને ગામના ખેતરો આસપાસ લટાર મારતા જોતા ગ્રામજનોમાં ભય પણ હતો. ત્યારે નવસારી સામાજિક વનીકરણ વિભાગના સુપા રેંજના વન અધિકારીઓને દીપડો દેખાવાની જાણ થતા 5 દિવસ અગાઉ આરક સિસોદ્રા ગામના રણોદ્રા ફળિયામાં મારણ સાથે પાંજરૂ ગોઠવ્યુ હતું. જેમાં આજે વહેલી સવારે શિકારની લાલચમાં એક કદ્દાવર દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાની દહાડ સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે ભેગા થયા હતા અને વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જેથી સુપા રેંજના RFO હીના પટેલના માર્ગદર્શનમાં વન કર્મીઓએ દીપડાનો કબ્જો લઇ, તેને ઉન ડેપો ખાતે ખસેડ્યો હતો. જ્યાં પશુ ચિકિત્સક દ્વારા દીપડાનાં આરોગ્યની તપાસ કર્યા બાદ તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે પાંજરે પુરાયેલો દીપડો નર છે અને તેની ઉંમર અંદાજે 3 વર્ષ કે તેથી વધુ માનવામાં આવી રહી છે.
નસીલપોરમાં હુમલો કરી ભાગી છુટલો ઘાયલ દીપડો હજુ પણ પાંજરે પુરાયો નથી
નવસારી બારડોલી રોડ પર ગત 19 સપ્ટેમ્બરની રાતે રસ્તો ઓળંગતી વખતે એક દીપડો કારની અડફેટે ચઢતા ગંભીર રીતે ઘવાયો હતો. ઘાયલ દીપડાને જોવા ઉમટેલી ભીડ તેનો ફોટો વીડિયો લેવામાં મશગુલ હતી, ત્યારે જ અચાનક દીપડો હિંમત ભેગી કરીને ભાગ્યો હતો. જેમાં પાંચ લોકો પાછળ ભાગેલા દીપડાને કારણે ઓંણચી ગામની જીનલ પટેલ ઘાયલ થઇ હતી. જોકે દીપડાને પકડવા માટે 6 કલાક બાદ વન વિભાગે કવાયત હાથ ધરી હતી, પણ દીપડો શેરડીના ખેતરમાં સંતાઈ જતા વન વિભાગે વિલા મોઢે પરત ફરવું પડ્યુ હતું. વન વિભાગને હાથ તાળી આપીને ભાગી છૂટેલો દીપડો હજી પણ પાંજરે પુરાયો નથી, ત્યારે આજે પકડાયેલો દીપડો નસીલપોરમાંથી ભાગી છૂટેલો દીપડો છે કે કેમ એની પણ ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ પાંજરે પુરાયેલો દીપડો ઘાયલ ન હતો. જેથી નસીલપોરથી ભાગી છૂટેલો દીપડો હજુ પણ પાંજરે પુરાયો નથી.