8 વર્ષ અગાઉ ઘર આંગણે રમતી બાળકીને આરોપી ચોકલેટની લાલચ આપી ઉઠાવી ગયો હતો
નવસારી : મોબાઈલ ઉપર અશ્લીલ કન્ટેન્ટ જોઈ અને નશો કર્યા બાદ હવસખોરો નાની બાળકીઓને પણ છોડતા નથી. 8 વર્ષ અગાઉ નવસારીના વિજલપોરની ચાર વર્ષીય બાળકીને ચોકલેટ અપાવવાની લાલચે ઉઠાવી, તેની સાથે દુષ્કર્મ આચરી, લોહી લુહાણ હાલતમાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને રેલ્વે ટ્રેક પાસેની ઝાડીઓમાં ફેંકી જનાર નરાધમને નવસારી સ્પેશિયલ પોસ્કો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
વિક્ટિમ કંપન્શેશન સ્કીમ હેઠળ બાળકીને 10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
ઈન્ટરનેટ પર મુકાતુ અશ્લીલ કન્ટેન્ટ સરળતાથી મોબાઈલમાં મળી રહે છે. નશો કરી આવા અશ્લીલ કન્ટેન્ટ જોઈ, નરાધમો પોતાની હવસ સંતોષવા માસુમ યુવતીઓ અને બાળકીઓને પોતાનો શિકાર બનાવી લે છે. પરંતુ આવા નરાધમોને સખત સજા થાય એ માટે સરકાર દ્વારા સ્પેશિયલ કોર્ટ શરૂ કરવામાં આવી છે. નવસારીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં 8 વર્ષથી ચાલી રહેલા 4 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને તેને લોહી લુહાણ હાલતમાં નવસારીના રેલ્વે ટ્રેક પાસે ઝાડીઓમાં મરવા માટે ફેંકી દેનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ઘટના કંઈક એવી છે કે, ગત 22 ડિસેમ્બર 2017 ની સાંજે 6 વાગ્યા આસપાસ નવસારીના વિજલપોરના એક વિસ્તારમાં ઘર આંગણામાં રમતી 4 વર્ષીય બાળકીને એ જ વિસ્તારમાં ભાડે રહેતો અને મૂળ યુપીનો આસિફ હુસેન ઉર્ફે ગુડ્ડુ પઠાણ ચોકલેટ અપાવવાની લાલચે ઉઠાવી ગયો હતો. બાદમાં આસિફ હુસેને માસુમ બાળકી સાથે હેવાનિયત સાથે દુષ્કર્મ આચર્યું હતુ. પોતાની હવસ સંતોષ્યા બાદ આસિફ હુસેને બાળકીને લોહી લુહાણ હાલતમાં એક કાળા રંગની પ્લાસ્ટિકની કોથળીમાં ભરી તેને મરવા માટે નવસારી રેલ્વે સ્ટેશનથી 20 ફૂટ દૂર રેલ્વે ટ્રેકની પાસેની ઝાડીઓમાં ફેંકી ભાગી ગયો હતો. બાળકીના કણસવાનો અવાજ સાંભળી ત્યાંથી પસાર થતા લોકોએ બાળકીને ઝાડીઓમાંથી કાઢી તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. સમગ્ર ઘટનામાં આસિફ હુસેન ઉર્ફે ગુડ્ડુ બાળકીને લઈ ગયો હોવાનું જાણતા પીડિતાના પિતાએ વિજલપોર પોલીસ સ્ટેશનમાં આસિફ હુસેન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ નવસારીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા, સરકારી વકીલ અજય ટેલરે ધારદાર રજૂઆતો સાથે 20 દસ્તાવેજી પુરાવાઓ અને 23 શાહેદોના નિવેદનો નોંધાવ્યા હતા. જેમાં આસિફ હુસેન બાળકીને લઈ ગયો હોવાનું નજરે જોનારાઓનું નિવેદન મુખ્ય સાબિત થયુ અને સ્પેશ્યલ પોસ્કો કોર્ટે આસિફ હુસેન ઉર્ફે ગુડ્ડુ પઠાણને બાળકી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ કુલ 20,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો આ દંડ ન ભરે તો વધુ 6 માસની સજા ભોગવવા પડશે. જ્યારે બાળકી પ્રત્યે કરૂણા દાખવી કોર્ટે વિક્ટિમ કંપન્શેશન સ્કીમ હેઠળ 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.