તહેવાર

હેલ્લારો : પોલીસ જવાનો મન મુકીને ગરબે ઘૂમ્યા

Published

on

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે માં જગદંબાની આરતી કરી, આપી શુભકામનાઓ

નવસારી : તહેવારોમાં સદા લોકોની સુરક્ષામાં પોતાનું મન મારીને પણ ફરજ બજાવતી નવસારી જિલ્લા પોલીસના જવાનો ગત રાતે પોલીસ પરિવાર માટે યોજાયેલા હેલ્લારો ગરબા મહોત્સવમાં મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. ગરબાના પ્રારંભે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને સુરત રેંજ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે આરતી કરી માં જગદંબાના આશિર્વાદ મેળવી, પોલીસ પરિવારને શુભકામનાઓ આપી હતી.

વરસતા વરસાદમાં ગરબાના તાલે પોલીસ જવાનો પરિવાર સાથે ગરબે ઘૂમ્યા

તહેવારોની મોસમ શરૂ થતા જ પોલીસ વિભાગ સતર્ક બને છે અને લોકોની સુરક્ષા માટે રાત દિવસ ફરજ બજાવે છે. નવરાત્રના નવ દિવસોમાં પણ પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે અનેક વિસ્તારોમાં ખડે પગે રહ્યા હતા. ખાસ કરીને આ વખતે નવરાત્રમાં મહિલા પોલીસકર્મીઓની અલાયદી ટુકડી બનાવી મહિલાઓની સુરક્ષા માટે તેનાત કરવામાં આવી હતી. પોલીસ જવાનો ફરજ ઉપર હોય ત્યારે તેમના પરિવારજનો પણ તહેવારની મજા માણી શકતા નથી. ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા પોલીસ જવાનો પણ તહેવારની મજા માણી શકે અને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી શકે એ માટે આજે એક દિવસીય હેલ્લારો ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતુ. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સાથે મા અંબેની આરતી કરી આશીર્વાદ લીધા હતા. સાથે જ પોલીસકર્મીઓને નવરાત્રી અને દિવાળીની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસના અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો વરસતા વરસાદમાં ગરબાના તાલે મન મૂકીને ઝુમ્યા હતા.

પોલીસ જવાનો અને તેમના પરિવારે ગરબા આયોજન માટે પોલીસ અધિક્ષકનો આભાર માન્યો 

પોલીસ અધિકારીઓ તેમજ તેમના પરિવારે જિલ્લા પોલીસ વડા દ્વારા નવરાત્રી મહોત્સવના આયોજનને લઈ ખુશી વ્યક્ત કરી હતી. તહેવારોમાં અને ખાસ કરીને નવરાત્રમાં સતત બંદોબસમાં હતા, પરંતુ આજે ગરબે ઘૂમીને ખૂબ આનંદ થયો હોવાની ભાવના પણ વ્યક્ત કરી હતી. જ્યારે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે પણ જિલ્લા પોલીસના ગરબા મહોત્સવના આયોજનને બિરદાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version