અપરાધ

ધંધો કરવો હોય, તો વ્યવહાર કરો : iphone ની લાંચ લેતા મરીન પોલીસ ઈન્સ્પેક્ટર ભેરવાયો

Published

on

ધોલાઈ બંદરે લાઈટ ડીઝલનું વેચાણ કરતા વેપારીની ફરિયાદ બાદ ACB એ ગોઠવ્યું હતું છટકૂ

નવસારી : નવસારીના ધોલાઈ બંદરે લાઈટ ડીઝલનો ધંધો કરતા વેપારીને ” ધંધો કરવો હોય, તો વ્યવહાર કરવો પડશે. નહીં તો ધંધો બંધ કરાવી દઈશ ” ની ધમકી આપી મોંઘા iPhone ની માંગણી કરનાર મરીન પોલીસ ઈન્સ્પેક્ટર 1.45 લાખનો iphone લેવા જતા નવસારી ACB ના છટકામાં ભેરવાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ACB ની જાળમાં ફસાતા પોલીસ બેડામાં ખળભળાટ ફેલાયો છે.

ACB પોલીસે મરીન ઈન્સ્પેકટર દિનેશ કુબાવતની ધરપકડ કરી તપાસ આરંભી

મળતી માહિતી અનુસાર, નવસારીના ધોલાઈ બંદરેથી મચ્છીમારી કરવા જતી ટ્રોલર બોટના માલિકોને બંદરેથી છૂટક ડીઝલ અને ઓઇલ વેચતા વેપારીને મરીન પોલીસ મથકના ઈન્સ્પેક્ટર દિનેશ કુબાવતે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. જ્યાં ઈન્સ્પેક્ટર દિનેશ કુબાવતે વેપારીને ” બંદર પર લાઈટ ડીઝલનો ધંધો કરવો હોય, તો વ્યવહાર કરવો પડશે. નહીં તો ધંધો બંધ કરાવી દઈશ ” ની ધમકી આપી, હાલમાં જ લોન્ચ થયેલા મોંઘા iPhone ની ડિમાન્ડ કરી હતી. પોલીસ ઈન્સ્પેક્ટરની માંગણીથી ડીઝલ વેપારી ડઘાઈ ગયો હતો અને લાંચ આપવાને બદલે તેણે નવસારી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. વેપારીની ફરિયાદને આધારે નવસારી ACB ના ઈન્સ્પેક્ટર બી. ડી. રાઠવા અને તેમની ટીમ દ્વારા આજે બપોરે છટકૂ ગોઠવવામાં આવ્યું હતુ. જેમાં ધોલાઈ બંદરે છૂટક લાઈટ ડીઝલ ઓઇલનો વેપાર કરવાના બદલામાં વેપારી પાસેથી 1.45 લાખ રૂપિયાનો નવા નક્કોર iPhone ની લાંચ લેતા મરીન પોલીસ ઈન્સ્પેક્ટર દિનેશ જમનાદાસ કુબાવત ACB ના હાથે રંગે હાથ પકડાયો હતો. ACB પોલીસે મોંઘા iPhone ની લાંચ લેવાના ગુનામાં આરોપી ઈન્સ્પેક્ટર દિનેશ કુબાવતની ધરપકડ કરી, આગળની તપાસને વેગ આપ્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાતા નવસારી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Click to comment

Trending

Exit mobile version