વાંસદા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
નવસારી : નવસારીના વાંસદાના હનુમાનબારી સર્કલ પાસે આવેલ VIP ફૂટવેરની બાજુમાં આવેલ ગોદડાની દુકાનમાં ગત રાતે ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. ઘટના સ્થળે પહોંચેલ વાંસદા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે.
દુકાનમાં રૂ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું
નવસારીના વાંસદા તાલુકાના હનુમાનબારી સર્કલ નજીક આવેલા કોમ્પ્લેક્સમાં VIP ફૂટવેરની બાજુમાં આવેલ ગોદડા બનાવવાની દુકાનમાં ગત રાતે 8 વાગ્યા આસપાસ આગ ફાટી નીકળી હતી. દુકાનમાં રૂ હોવાને કારણે થોડી જ મિનિટોમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતુ. ભીષણ આગને કારણે લોકોમાં દોડધામ મચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે આસપાસના દુકાનદારોએ પાણીથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન વિકરાળ આગને ઓલવવા માટે વાંસદા ફાયર વિભાગને જાણ કરાતા, ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ ઉપર પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડના જવાનોએ અંદાજે એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોદડાની દુકાન સંપૂર્ણ ભરીને રાખ થતા મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે.