વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કપીરાજ પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી
નવસારી : નવસારીના સુપા ગામે છેલ્લા એક મહિનાથી ધમાચકડી મચાવી, લોકો પાછળ દોડી હુમલો કરતો કપીરાજ આજે સવારે વન વિભાગ દ્વારા ગોઠવેલા પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. તોફાની કપીરાજની આરોગ્ય તપાસ કરાવી જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાશે.
કપીરાજને પકડવા એનિમલ સેવીંગ ગ્રુપના સભ્યની મહેનત કામ લાગી
નવસારી તાલુકાના સુપા ગામે છેલ્લા એક મહિનાથી એક કપીરાજ તોફાને ચડ્યો હતો. ગામના અલગ અલગ ફળિયામાં પહોંચી જઈ લોકોને હેરાન કરી રહ્યો હતો. જેમાં છેલ્લા થોડા દિવસોથી રસ્તે ચાલતા કે ઘરના વાડામાં કામ કરતા ગ્રામજનો પાછળ દોડતો અને તેમના ઉપર હુમલો કરી ઘાયલ પણ કરતો હતો. કપીરાજથી કંટાળી ગ્રામજનોએ નવસારી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરતા, વન વિભાગ દ્વારા ગામના બ્રાહ્મણ ફળિયામાં પાંજરૂ ગોઠવ્યું હતું. પરંતુ તોફાની કપીરાજ પાંજરે પુરાતો ન હતો. કપીરાજને પકડવા નવસારીની એનિમલ સેવીંગ ગ્રુપના સભ્યો પણ કામે લાગ્યા હતા. જેમાં આજે સવારે એનિમલ સેવીંગ ગ્રુપના સમીસ ઢીમ્મરે ગ્રામજનોની મદદથી મહા મહેનતે તોફાની કપીરાજને પાંજરે પૂર્યો હતો. ધમાલી કપીરાજ પાંજરે પુરાતા સુપાના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે વન વિભાગે તોફાની કપીરાજનો કબજો લઈ, તેની આરોગ્ય તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી છે. કપીરાજની સારવાર બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર તેને જંગલમાં છોડવામાં આવશે.