નવસારી : નવસારી જિલ્લો દીપડાઓ હવે શહેરઅને ગામડાઓના રહેણાક વિસ્તારોમાં આવતા થયા છે. ગત રાતે નવસારીના રાનકુવા ગામની સોસાયટીમાં દીપડાનાં આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ બન્યો છે. દીપડાની લટાર મુદ્દે ચીખલી વન વિભાગને જાણ કરવામાં આવી છે.
દીપડાની લટાર મુદ્દે ચીખલી વન વિભાગને જાણ કરવામાં આવી
નવસારી જિલ્લો દીપ્દાઓનું અભયારણ્ય બની રહ્યો હોય એવી સ્થિતિ બની રહી છે. કારણ જંગલ વિસ્તારમાં જ દેખાતા દીપડાઓ હવે શહેર અને ગામડાઓના રહેણાંક વિસ્તારોમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગામડાઓમાં પાલતું પશુઓને શિકાર બનાવવાની લાલચે દીપડાઓ ગામના ફળિયાઓ સુધી પહોંચી જતા હોય છે. ગત રાત્રીએ ચીખલી તાલુકાના રાનકુવા ગામની શિવ દર્શન સોસાયટીમાં દીપડો આવી ચઢ્યો હતો. સોસાયટીની ગલીઓમાં દહાડ સાથે આરામથી ટહેલતો દીપડો એક ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સોસાયટીમાં દીપડો આંટાફેરા મારતો હોવાની જાણ થતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ બન્યો છે. ઘટનાની જાણ ચીખલી વન વિભાગને કરવામાં આવી છે.
બે દિવસ અગાઉ નોગામા ગામે પણ દીપડો જોવાયો હતો
ચીખલીના નોગામા ગામે પણ બે દિવસ અગાઉ દીપડો દેખાયો હતો. નોગામાના ધોડિયાવાડમાં નિકુંજ પટેલનાં મરઘા ફાર્મ આસપાસ આંટાફેરા મારતો દીપડો ફાર્મના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. બીજી તરફ ચીખલીના જોગવાડ ગામે કોયા ફળિયામાં રહેતા વિપુલ હળપતિના ઘર પાસેથી દીપડો પાસાર થતા જોવાયો હતો. સમગ્ર મુદ્દે ચીખલી વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.