અપરાધ

નવસારી હાઈવે પર સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, 16.84 લાખનો વિદેશી દારૂ પકડ્યો

Published

on

પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી, 5 ને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. 48 પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે, ત્યારે ગુજરાતની સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે નવસારી જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે હાઈવે પર બોરીયાચ ટોલ નાકા પાસેથી 16.84 લાખનો વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર સહિત 5 લોકોને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.

પોલીસે વિદેશી દારૂ મળી કુલ 36.92 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર વી. સી. જાડેજા અને તેમની ટીમ ગત રોજ નવસારી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે નં 48 પરથી રાજસ્થાનથી એક કન્ટેનર સાથેનો ટેમ્પો વિદેશી દારૂ ભરી વડોદરા તરફ જઈ રહ્યો છે. જેને આધારે પોલીસે હાઈવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી, તપાસ કરતા તેમાંથી 16,84,800 રૂપિયાની વિદેશી દારૂની 16,848 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને રાજસ્થાનના સારવાના જિલ્લાના દુદુષણ ગામે રહેતા શ્રવણ ઉર્ફે ભેરારામ ગોદરાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના બાડમેર જિલ્લાના સુખેશ જૈને મોકલાવ્યો હતો અને શુખેશે આશુતોષ શર્મા સાથે શ્રવણની ઓળખ કરાવી હતી. જયારે રોહિત નામના ઇસમે ડીઝલ ભરાવડાવ્યુ હતુ. દારૂનો જથ્થો વડોદરાથી મંગાવવામાં આવ્યો હતો. જેની સાથે જ ટેમ્પો માલિક મળીને કુલ 5 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 20 લાખનો ટેમ્પો, 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન અને 2560 રૂપિયા રોકડા મળી કુલ 36.92 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version