5 દિવસોમાં નવસારી પોલીસે ડ્રીન્ક એન્ડ ડ્રાઈવના 271 કેસ નોંધ્યા
નવસારી : 31 ડિસેમ્બર નજીક આવતા જ લોકો નવા વર્ષની પાર્ટી કરવા માટે થનગની રહ્યા હોય છે. પરંતુ નવા વર્ષમાં નશો કર્યો તો સીધા જેલ જવુ પડશે..!! નવસારી જિલ્લા પોલીસે વિશેષ ડ્રાઈવ ચલાવી, જિલ્લાના અલગ અલગ પોઇન્ટ ઉપર વાહનની તપાસ દરમિયાન ડ્રીન્ક એન્ડ ડ્રાઈવના 271 કેસ નોંધ્યા છે. જેથી વિદેશી દારૂ સાથે ન્યુ યર પાર્ટી ઉજવવાનું આયોજન હોય તો અત્યારથી જ ચેતી જજો, નહીં તો જેલમાં રાત કાઢવી પડશે.
બીલીમોરા નજીક આંતલિયા ચાર રસ્તા પાસે LCB ની સઘન તપાસ
વર્ષ 2024 ને અલવિદા કરવા માટે લોકો અનેક પ્રકારે આયોજન કરતા હોય છે. પરંતુ નવા વર્ષને આવકારવા, ઘણા લોકો જુના વર્ષના અંતિમ દિવસોમાં નશાની પાર્ટી આયોજિત કરતા હોય છે. ગુજરાતમાં જયારે દારૂબંધી છે, ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા નવા વર્ષમાં દારૂ સહિતની નશાની પાર્ટીઓ રોકવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના 11 પોલીસ મથકો અંતર્ગત 30 થી વધુ પોઇન્ટ નક્કી કરીને સાંજથી મોડી રાત સુધી સઘન વાહન તપાસ સાથે જ નશો કરીને વાહન ચલાવતા અથવા નશો કરેલા નશેડીઓને પકડવામાં આવી રહ્યા છે. શનિવારે પણ નવસારી LCB પોલીસની ટીમ દ્વારા ગણદેવી તાલુકામાં બીલીમોરા શહેરને અડીને આવેલા આંતલિયા ગામના ચાર રસ્તા પાસે વાહન ચકાસણી હાથ ધરી હતી. કારણ આંતલિયા ચાર રસ્તા કોસ્ટલ હાઈવે, નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેને જોડતો પોઇન્ટ છે. LCB પોલીસે વાહનોની તપાસ સાથે જ વાહન ચાલક તેમજ તેમાં સવાર લોકોને બ્રિથ એનાલાઇઝર મશીન દ્વારા તેમણે નશો કર્યો છે કે કેમ એની પણ ચકાસણી કરી હતી. જેને તપાસતા નશો કર્યો હોવાનું માલમ પડતા જ પોલીસે તેની સામે કાયદાકીય પગલા લઇ, જેલની હવા ખવડાવી હતી. ઉલ્લેખનિય છે કે, નવસારી જિલ્લામાં છેલ્લા 5 દિવસોથી ચાલી રહેલી ડ્રીન્ક એન્ડ ડ્રાઈવની વિશેષ મુહિમ દરમિયાન પોલીસે 271 લોકો સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી હતી. હજુ પોલીસ દ્વારા 31 ડીસેમ્બર સુધી આજ પ્રકારે વિશેષ ડ્રાઈવ રાખી, નશો કરનારાઓને કાયદાનું ભાન કરાવાશે.