31 st ને ધ્યાને રાખી નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી
નવસારી : વર્ષ 2024 પૂર્ણ થવા જઈ રહ્યુ છે અને લોકો નવા વર્ષ 2025 ને આવકારવા થનગની રહ્યા છે, ત્યારે વર્ષના છેલ્લા દિવસે 31 st ડિસેમ્બરે વિદેશી દારૂ સાથેની પાર્ટીની તૈયારીઓ થતી હોય છે, જેને કારણે બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે, ત્યારે નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા 31 st ને ધ્યાને રાખીને જિલ્લામાં સતર્કતા વધારી છે, જેમાં ગત મોડી રાતે LCB પોલીસને સફળતા મળી છે. પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર બોરીયાચ ટોલનાકા પાસેથી 6.39 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે રાજસ્થાની ચાલકની ધરપકડ કરી, ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસે વિદેશી દારૂ સાથે કુલ 17.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મળતી માહિતી અનુસાર, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ રોજના ગુજરાતમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠલવાતો રહે છે. જેમાં પણ વર્ષના અંતિમ દિવસોમાં દક્ષિણ ગુજરાતને અડીને આવેલા દમણ, સેલવાસ, દાદરા અને નગર હવેલી, મહારાષ્ટ્રમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ નેશનલ હાઈવે અથવા આંતરિક માર્ગો પરથી રોજના હેરાફેરી થાય છે. ત્યારે 31 st ડીસેમ્બરને ધ્યાને રાખીને નવસારી જિલ્લા પોલીસ સતર્ક થઇ છે અને જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે બાતમીદારોના નેટવર્કને એક્ટીવ કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યા છે. ગત રોજ 27 ડિસેમ્બરની મોડી રાતે નવસારી LCB પોલીસની ટીમ નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી, દરમિયાન બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. જેને આધારે પોલીસે નવસારીના બોરીયાચ ટોલનાકાનાં દક્ષિણે મુંબઈ અમદાવાદ ટ્રેક ઉપર નાકાબંધી કરી, બાતમીવાળો ટેમ્પો આવતા જ તેને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાં અલગ અલગ પૂઠાના બોક્ષમાં 6.39 લાખ રૂપિયાની વિદેશી દારૂની 3,912 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને રાજસ્થાનના બ્યાવર જિલ્લાના બદનોર તાલુકાના ગીરધરપુર ગામના 44 વર્ષીય શ્રવણ ઉગમા પ્રજાપતની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો રૂપેશ તિવારી, તેની સાથેનો અન્ય એક ઇસમે આપ્યો હતો એન તેને અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે ઉપર આવી અન્ય કોઈ અજાણ્યો ઇસમ લઇ જનાર હતો. જેથી પોલીસે રૂપેશ તિવારી અને અન્ય બે અજાણ્યાને વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે 10 લાખ રૂપિયાનો ટેમ્પો, 10 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન અને 3 હજાર રૂપિયા રોકડા મળી કુલ 17.9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.