નવસારી : બીલીમોરા શહેરના આંગણે હરખનો પ્રસંગ આવ્યો છે, કારણ શહેરમાં નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીહરિ બિરાજિત થશે, જે પૂર્વે ભારતીય સંસ્કૃતિ અનુસાર ભગવાન સ્વામિનારાયણ સહિત અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓની ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જેના થકી નગરજનોએ ભગવાનના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
સંતો અને આગેવાનોએ શ્રીફળ વધેરી નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ
બીલીમોરા શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે મૂર્તિઓની નગરમાં ભવ્ય નગર યાત્રા નીકળી હતી. નગરયાત્રામાં સૌ પ્રથમ ઠાકોરજીનું પૂજન પૂ. પુરુષોત્તમચરણ સ્વામી,પૂ. ધર્મચરણસ્વામી, પૂ. નારાયણચરણસ્વામી, પૂ. પૂર્ણકામસ્વામી, પૂ. નંદકિશોરસ્વામી તેમજ પૂ. જ્ઞાનવર્ધનસ્વામી વગેરે સંતોએ કર્યું હતું જેની સાથે જ પૂ. આનંદકિશોરસ્વામીએ વૈદિક વિધિ કરાવી હતી. ધારાસભ્ય નરેશ પટેલ સાથે અનેક મહાનુભાવો અને અગ્રગણ્ય હરિભક્તોનું સંતોએ ચાંદલો કરી અને હાર પહેરાવી સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ મહાનુભાવોએ સંતો સાથે શ્રીફળ વધેરી નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ નગરયાત્રામાં બીલીમોરા, નવસારી, ચીખલી, ગણદેવી તથા આજુબાજુ ગામડાના હજારો હરિભક્તો ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા.
નગરયાત્રામાં શ્રીહરિની પ્રતિમા અને ગુણાતીત ગુરૂ પરંપરાની મૃતિઓ રહી આકર્ષણનું કેન્દ્ર
નગરયાત્રામાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી શિવ પાર્વતી શ્રી સીતારામ, શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજીની મૂર્તિઓ શોભી રહી હતી. સાથે ગુણાતીત ગુરુ પરંપરાની મૂર્તિઓ પણ શોભાયાત્રામાં હરિભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહી હતી. આતલિયા વિસ્તારમાંથી શરૂ થયેલી નગરયાત્રા દેસરા રોડ પર આવેલ નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરે વિરામ પામી હતી. જ્યાં સદગુરૂ સંતો પૂ. ભક્તિપ્રિયદાસસ્વામી (કોઠારી સ્વામી) તથા પૂ. વિવેકસાગરદાસસ્વામીએ નગરયાત્રાનું સ્વાગત કરી, ઠાકોરજીની આરતી ઉતારી નગરયાત્રાની સમાપ્તિ કરાવી હતી.
4 જાન્યુઆરીએ થશે ભગવાન સ્વામિનારાયણની પ્રાણ પ્રતિષ્ઠા
ત્રણ જાન્યુઆરીએ સવારમાં વિશ્વ શાંતિ મહાયાગ થશે અને સાંજે 6 થી 8 “કહાની કિસ્મત કી” સંવાદ (નાટક) BAPS ના બાળકો યુવાનો રજૂ કરશે. 4 જાન્યુઆરીએ સવારમાં 09 થી 12 ભવ્ય અને દિવ્ય નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરમાં સદગુરૂ સંત પૂ. ભક્તિપ્રિયદાસસ્વામી (કોઠારી સ્વામી) સદગુરૂ સંત પૂ. વિવેકસાગરદાસસ્વામી હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.