અપરાધ

NH 48 પરથી 3.71 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે એક ઝડપાયો

Published

on

પોલીસે સેલવાસ અને સુરતના બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નવસારી જિલ્લામાંથી રોજના મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે, જેને ડામવા માટે નવસારી પોલીસ સતત પ્રયત્નશીલ રહેતી હોય છે, જેમાં નવસારી LCB પોલીસે ગત રાતે 3.71 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરીને સુરત તરફ જતા એક પીકઅપ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે વિદેશી દારૂ ભરાવનાર સેલવાસ અને મંગાવનાર સુરતના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી કુલ 13.72 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ગત રાતે નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વલસાડ તરફથી વિદેશી દારૂ ભરેલ એક પીકઅપ ટેમ્પો સુરત તરફ જનાર છે. જેને આધારે પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના વેજલપોર પાસે આવેલ નવજીવન હોટલ પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા જ પોલીસે તેને અટકાવી તપાસ કરતા, ટેમ્પોમાંથી 3.71 લાખ રૂપિયાની વ્હીસ્કી બીયરની કુલ 3072 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિરક્ષેત ગામના જગદીશ માનું ખુકુટેની ધરપકડ કરી હતી. જયારે તેની પૂછપરછ દરમિયાન સેલવાસથી વિદેશી દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર સુરતના કડોદરાના બુટલેગરે મંગાવ્યા હોવાનું જાણતા, બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 10 લાખ રૂપિયાના પીકઅપ ટેમ્પો, 500 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 13.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસે આગળની તપાસ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version