નવસારી LCB પોલીસે 6 વર્ષોથી ફરાર આરોપીને સુરતથી દબોચ્યો
નવસારી : નવસારી સહિત આસપાસના જિલ્લાઓમાં છેલ્લા 6 વર્ષોથી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો અને નાસતો ફરતો આરોપીને નવસારી LCB પોલીસે બાતમીને આધારે સુરતના ઉધના ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આરોપી સંજય મકવાણા વિદેશી દારૂના ધંધામાં રીઢો ગુનેગાર
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ફરિયાદો રહે છે. ત્યારે નવસારી LCB પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે પ્રયાસો થતા રહે છે, જેમાં ગત દિવસોમાં ચીખલી પોલીસ મથક વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના પ્રકરણમાં સુરતના કામરેજ ચાર રસ્તા પાસે આવેલ પેસિફિક હોટલમાં રહેતા અને મુળ ભાવનગર જિલ્લાના નવાલોઈચડા ગામનો 27 વર્ષીય સંજય ઉર્ફે બટકો મકવાણાનું નામ ખુલ્યુ હતુ. જેથી નવસારી LCB પોલીસ તેને પકડવા માટે પ્રયાસરત હતી. દરમિયાન LCB ના HC દિગ્વિજય મોરી અને HC લાલુસિંહ ભરતસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, ચીખલીના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સંજય ઉર્ફે બટકો સુરતના ઉધના વિસ્તારમાં ફરી રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસની ટીમે ઉધના ખાતે પહોંચી આરોપી સંજયને દબોચી લીધો હતો. પોલીસની તપાસમાં આરોપી સંજય મકવાણા રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યુ છે, જેમાં તેના વિરૂદ્ધમાં નવસારી ગ્રામ્યમાં 2, ચીખલીમાં 1, ખેરગામમાં 1, સુરત શહેરના કાપોદ્રામાં 1, ઉતરાણમાં 1, સુરત ગ્રામ્ય કડોદરા GIDC માં 2, કામરેજમાં 2, વલસાડ ગ્રામ્યમાં 1 અને પારડીમાં 1 મળીને કુલ 12 ગુનાઓમાં છેલ્લા 6 વર્ષોથી વોન્ટેડ હોવાનું સામે આવ્યુ હતું. જેથી પોલીસે સંજય ઉર્ફે બટકાંની ધરપકડ કરી, વધુ આગળની તપાસ આરંભી છે.