પોલીસે મોબાઈલ કબ્જે કરી તપાસ આરંભી
નવસારી : નવસારી શહેરમાંથી મોબાઈલ ચોરી કરનાર ચોરને નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીને આધારે નવસારી શહેરમાંથી જ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી, તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોનને પણ કબ્જે કરી તપાસ આરંભી છે.
આરોપીએ 5 હજાર રૂપિયાનો મોબાઈલ ચોર્યો હતો
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં ઘરમાંથી કે અન્ય જગ્યાઓએથી મોબાઈલ ચોરીની ઘટના વધી રહી છે. થોડા દિવસો અગાઉ શહેરમાંથી ચોરાયેલા એક 5 હજાર રૂપિયાના મોબાઈલ ચોરી પ્રકરણમાં ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. જેમાં નવસારી LCB પોલીસની ટીમ તપાસમાં જોતરાતા પોલીસે બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી મોબાઈલ ચોરીમાં સંડોવાયેલા સુરતના પાંડેસરામાં મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના સૈફાબાદના વતની એવા કમલેશ કશ્યપને શોધી કાઢ્યો હતો. આરોપી કમલેશ ચોરીના ઈરાદે નવસારીમાં ફરી આવ્યો હોવાની બાતમી મળતા જ નવસારી LCB ના PC નીલેશ રતિલાલ અને PC અર્જુન હર્ષદભાઈએ આરોપી કમલેશ કશ્યપને દબોચી તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપ્યો છે.