ગંભીર રીતે ઘવાયેલા બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો
નવસારી : નવસારીના વાંસદાના ધાકમાળ ગામે ખેતર નજીક રમી રહેલા 8 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયો હતો, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વાંસદા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.
ધાકમાળ ગામ નજીક ગાઢ જંગલ વિસ્તાર, નેશનલ પાર્ક પણ નજીક
નવસારી જિલ્લો દીપડાનું અભયારણ્ય બની રહ્યો છે, ગામડાઓમાં દેખા દેતા દીપડાઓ શહેર નજીક પણ નજરે ચડે છે. જયારે છેલ્લા થોડા મહિનાઓમાં વાંસદા તાલુકામાં સાંજના સમયમાં દીપડાઓના નાના બાળકો અને યુવાનો ઉપર હુમલાના બનાવો પણ વધ્યા છે. ત્યારે આજે ફરી વાંસદા તાલુકાના પૂર્વ પટ્ટીના ધાકમાળ ગામે ઘર અને ખેતર નજીક રમી રહેલા 8 વર્ષીય આરવ મહાકાલ ઉપર દીપડાએ હુમલો કર્યો અને તેને ગળામાંથી દબોચી લીધો હતો. આરવને દબોચીને દીપડો જંગલ તરફ જતો હતો, ત્યારે તેની બુમો સાંભળી તેના કાકાએ દોડીને દીપડાનું પુછળું પકડી તેને ખેંચ્યો હતો, જેથી આરવ દીપડાની ચુંગાલમાંથી છૂટી ગયો હતો. બાદમાં તરત જ ગંભીર રીતે ઘવાયેલા આરવને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેના ગળાના ભાગે તેમજ છાતીના ભાગે દીપડાના પંજાને કારણે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ગળાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. બીજી તરફ દીપડાના હુમલાની જાણ થતા જ વાંસદા વન વિભાગના અધિકારીઓ ટીમ સાથે ધાકમાળ ગામે પહોંચ્યા હતા. જ્યાં ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ દીપડાને પકડવા હાલ ઘટના સ્થળ આસપાસ ત્રણ પાંજરા મુક્યા છે. સાથે જ હોસ્પિટલ પહોંચી ઘાયલ આરવના ખબર અંતર જાણી, તેને યોગ્ય અને ઝડપી સારવાર મળી રહે એ માટેની વ્યવસ્થા ગોઠવી છે. ઉલ્લેખનિય છે કે, ધાકમાળ ગામ નજીક ગાઢ જંગલ વિસ્તાર આવેલો છે, સાથે જ વાંસદા નેશનલ પાર્ક પણ નજીક હોય દીપડો જંગલ અથવા પાર્કમાંથી આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
વાંસદામાં છેલ્લા થોડા મહિનાઓમાં 6 લોકો ઉપર થયા દીપડાના હુમલા
નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો જંગલ અને પર્વતીય વિસ્તાર ધરાવે છે. સાથે જ વાંસદા નેશનલ પાર્ક પણ દીપડાઓ માટે રક્ષિત છે. એક અનુમાન પ્રમાણે વાંસદામાં દીપડાઓની સંખ્યા વધી છે અને શેરડીની કાપણી બાદ દીપડાઓ ગામડાઓમાં દેખાવાની ઘટના સામાન્ય થતી હોય છે. ત્યારે વાંસદામાં છેલ્લા થોડા મહિનાઓમાં માનવ ઉપર દીપડાના હુમલા વધ્યા છે, જેમાં અગાઉ અત્યાર સુધીમાં બે બાળકીઓ સહિત 4 બાળકો અને 2 યુવાનો ઉપર દીપડાએ હુમલા કર્યા છે. જોકે સદ્દનસીબે કોઈ જાનહાની થઇ નથી.