Connect with us

ચોરી-લૂટ

વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી, ચેઈન સ્નેચીંગ કરનારા બે ઝડપાયા

Published

on

પોલીસે આરોપીઓ પાસેથી 2.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે

નવસારી : દક્ષિણ ગુજરાતના શહેરો અને ગામડાઓમાં ચેઇન સ્નેચીંગના ગુનાઓના રીઢા આરોપી સાથે બે ચેઇન સ્નેચરોને નવસારી LCB પોલીસે ટેકનીકલ સર્વેલન્સ તેમજ મળેલ બાતમીને આધારે સુરતના સાયણથી દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન સહિત કુલ 2.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ ક્બ્જે કરી, કુલ 28 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

બાઇક ઉપર હેલ્મેટ પહેરીને વૃદ્ધાઓને જ બનાવતા નિશાન

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાં 6 મહિના અગાઉ બીલીમોરા શહેરની એક સોસાયટીમાં ઘરે જઈ રહેલા એક વૃદ્ધાના ગળામાંથી બાઇક સવાર બે બદમાશો સોનાની ચેઇન ઝાટકા સાથે તોડીને ફરાર થયા હતા. એજ અરસામાં ગણદેવી તાલુકાના અમલસાડ ગામે પણ એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને બે બદમાશો ફરાર થયા હતા. બંને ગુનાઓમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ આરંભી હતી, જેમાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે આરોપીઓનું પગેરૂ શોધી કાઢવા CCTV કેમેરાઓના ફૂટેજ સાથે જ બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કર્યુ હતું. જેમાં પોલીસને 6 મહીને જઈને સફળતા મળી અને ચેઇન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ સુરતના સાયણ વિસ્તારમાં હોવાની બાતમીને આધારે નવસારી LCB પોલીસની ટીમ સાયણ પહોંચી હતી. જ્યાં બાતમીવાળા યુવાનોને બાઇક ઉપર આવતા જોઈ, બંનેને રોકીને દબોચી લીધા હતા. પોલીસે સાયણથી ચેઇન સ્નેચીંગનાં રીઢા ગુનેગાર અને સુરતના ઓલપાડના સાયણ સુગર રોડ ઉપર ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં રહેતા 39 વર્ષીય ધવલ દિનેશ પારેખ અને સુરતના ભરથાણામાં ભૈરવ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા 29 વર્ષીય કાન્હુચરણ ઘનશ્યામ બધઈની ધરપકડ કરી હતી. બંનેની કડકાઈથી પૂછપરછ કરતા બંનેએ અમલસાડ અને બીલીમોરામાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી, ભાગી ગયા હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી 1.60 લાખ રૂપિયાની 19.240 ગ્રામ સોનાની ચેઇન, 70 હજાર રૂપિયાનું બાઇક, 10.50 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન મળીને કુલ 2.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે ગણદેવી પોલીસને સોંપ્યા છે.

આરોપી ધવલ પારેખ સામે ચેઇન સ્નેચીંગના જ 16 ગુનાઓ

નવસારી LCB ના હાથે પકડાયેલ ધવલ પારેખ રીઢો ગુનેગાર છે. વર્ષ 2007 થી ધવલ 21 વર્ષની વયેથી જ ધવલ ચોરી, ચેઇન સ્નેચીંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિના રવાડે ચઢી ગયો હતો. સામાન્ય રીતે કાપડનો વેપાર કરતો ધવલ પારેખ પતાના ગુનેગાર મિત્રો સાથે મળીને મોબાઈલ ચોરી, લૂટ, વાહન ચોરી અને ચેઇન સ્નેચીંગના અનેક ગુનાઓમાં અગાઉ પકડાઈ ચુક્યો છે. જેના કારણે પાસા હેઠળ પણ અનેકવાર જેલની હવા ખાઈ ચુક્યો છે. 18 વર્ષોમાં ધવલ પારેખ 16 ચેઇન સ્નેચીંગના ગુનામાં પકડાયો છે, જેની સાથે જ 1 લૂટ, 6 વાહન ચોરી, 4 મોબાઇલ ચોરી અને બે પાસા મળીને કુલ 28 ગુના ધવલ સામે નોંધાયા હતા. જયારે તેનો સાથી કાન્હુ બઘઈ પણ રીઢો છે અને તેની સામે પણ ચેઇન સ્નેચીંગના ત્રણ ગુનાઓ નોંધાયા હતા.

આ હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી

ધવલ પારેખ અને કાન્હુ બઘઈ બંને રીઢા ગુનેગારો છે, જેઓ બાઇક ઓળખાઇ ન જાય એ માટે તેની નંબર પ્લેટ કાઢી નાંખતા હતા. જયારે પોતાની ઓળખ છુપાવવા માટે મોઢે રૂમાલ અથવા હેલ્મેટ પહેરી લઇ, રસ્તામાં એકલી જતી અને ગળામાં સોનાની ચેઇન અથવા મંગળસૂત્ર પહેરલ વૃદ્ધ મહિલાને નિશાન બનાવી, તેમના ગળામાંથી સોનાની ચેઇન આંચકીને તોડીને ફરાર થઇ જતા હતા.

અપરાધ

ધાડ લૂટના ગંભીર ગુનાઓનો ફરાર આરોપી મહારાષ્ટ્રના કલ્યાણથી પકડાયો

Published

on

By

ઓપરેશન કારાવાસ 2 હેઠળ નવસારી LCB પોલીસની કાર્યવાહી

નવસારી : નવસારીના ચીખલીમાં નાકોડા જવેલર્સમાં ફાયરીંગ કરી, 35.70 લાખનાં સોનાના દાગીનાની લૂટ અને વડોદરાનાં જવેલર્સમાં પણ ફાયરીંગ કરીને 4.80 લાખ રૂપિયાની 24 કિલો ચાંદીની ધાડનાં ગુનાનો આરોપી તેમજ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી વચગાળાનાં જામીન લઇ ફરાર થયેલા રીઢા ગુનેગારને નવસારી LCB પોલીસે મહરાષ્ટ્રના કલ્યાણ શહેરના રેલ્વે યાર્ડમાંથી દબોચી જેલ હવાલે કર્યો હતો.

જૂન, 2018 માં વચગાળાનાં જામીન લઇ ફરાર થયો હતો આરોપી રાકેશ વસુનીયા

મળતી માહિતી અનુસાર, ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત શરૂ થયેલી વિશેષ ડ્રાઈવમાં નવસારી LCB પોલીસે જેલમાંથી પેરોલ, ફર્લો જમ્પ અને વચગાળાનાં જામીન લઇ ફરાર થયેલા આરોપીઓની માહિતી મેળવી, ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી, 6 મહિનાથી ફરાર આરોપીઓને શોધવામાં કાર્યરત હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ ભરતસિંહ, કોન્સ્ટેબલ મનોજકુમાર સમાધાનભાઈ અને અવિનાશસિહ જગજીતસિહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, નવસારીના ચીખલી બજારમાં સ્થિત નાકોડા જવેલર્સમાં વર્ષ 2016 માં હથિયારો સાથે ધસી જઈ, ફાયરીંગ કરીને જવેલર્સમાંથી 35.70 લાખ રૂપિયાના 4 થી 5 કિલો સોનાના દાગીનાની લૂટ ચલાવનાર અને વર્ષ 2015 માં વડોદરાના વડુ પોલીસ મથક વિસ્તારની ઉમિયા જવેલર્સમાંથી પણ ફાયરીંગ કરીને 4.80 લાખ રૂપિયાની 24 કિલો ચાંદીની લૂટ ચલાવનાર રીઢો ગુનેગાર રાકેશ પ્રેમા વસુનીયા સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો. જેને ગુજરાત હાઈકોર્ટમાંથી ગત 14 જૂન 2018 થી 20 જૂન 2018 સુધીના અઠવાડીયાના વચગાળાનાં જામીન મળ્યા હતા. પરંતુ જામીન પૂર્ણ થતા રાકેશ વસુનીયા ફરાર છે અને જેલમાં હાજર થયો નથી. જે ફરાર થઇ થોડા સમય અગાઉ મધ્યપ્રદેશથી રેલ્વે યાર્ડમાં મજૂરી કામ અર્થે  હાલમાં મહારાષ્ટ્રના કલ્યાણ શહેરમાં આવેલા રેલ્વે યાર્ડમાં મજૂરી કરી, પોતાના પરિવાર સાથે રહે છે. જેથી નવસારી LCB પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના કલ્યાણ શહેરમાં રેલ્વે યાર્ડમાં પહોંચી હતી, જ્યાં પોલીસ જવાનોએ કુલી, પોર્ટર અને રેલ્વે ટ્રેક પર મજુરી કરતા મજૂરો બની રાકેશ પ્રેમા વસુનીયાની ઓળખ કરી, તેને દબોચી લીધો હતો. પોલીસે રીઢા ગુનેગાર રાકેશ વસુનીયાની ધરપકડ કરી, તેને નવસારી લાવ્યા બાદ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.

Continue Reading

અપરાધ

સોમવારી બજાર નજીકથી રીક્ષા ચોરનાર પકડાયો

Published

on

By

ફરિયાદ નોંધતા જ પોલીસે ચોરાયેલી રીક્ષા પણ કબ્જે કરી

નવસારી : નવસારીના છાપરા ચાર રસ્તા નજીક ભરાતા સોમવારી બજાર નજીક પાર્ક કરેલી રીક્ષા ચોરી કરી ફરાર થયેલા ચોરને વિજલપોર પોલીસે બાતમીને આધારે ચોરાયેલી રીક્ષા સાથે પકડી પાડ્યો હતો.

રીક્ષા માલિક પત્ની સાથે સોમવારી બજારમાં ખરીદી કરવા ગયો અને રીક્ષા ચોરાઈ

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરના ફુવારા નજીક દાબુ હોસ્પિટલ નજીકમાં રહેતા ભીખુ નાયકાએ પોતાના જીવન નિર્વાહ માટે વર્ષ 2003 માં રીક્ષા લીધી હતી. છેલ્લા 23 વર્ષોથી રીક્ષા ચલાવતો ભીખુ ગત 19 જાન્યુઆરીના રોજ સાંજે તેની પત્ની સાથે શહેરના છાપરા ચાર રસ્તા પાસે ભરાતા સોમવારી બજારમાં ખરીદી કરવા ગયો હતો. ભીખુએ પોતાની રીક્ષા ચાર રસ્તા નજીક રસ્તાનાં કિનારે પાર્ક કરી હતી. બજારમાંથી ખરીદી કરીને બહાર આવ્યા બાદ ભીખુને રીક્ષા નહીં દેખાતા ચોરી થયાનું જણાયુ હતું. જેથી ભીખુ નાયકાએ વિજલપોર પોલીસ મથકે રીક્ષા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ તપાસમાં જોતરાયેલી પોલીસે બાતમીને આધારે વિજલપોર વિસ્તારમાં નવદુર્ગા નગરમાં ભાડેથી રહેતા મૂળ મધ્યપ્રદેશના ૩૦ વર્ષીય સંદીપ બસદેવાને ચોરીની રીક્ષા સાથે પકડી, તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 12 હજાર રૂપિયાની રીક્ષા કબ્જે કરી આગળની તપાસ આરંભી છે.

Continue Reading

અપરાધ

ચોરીની બાઈક સાથે બે રીઢા ચોર વાઘરેચ પુલ પરથી પકડાયા

Published

on

By

બંને ચોરટાઓ સામે ભૂતકાળમાં કુલ 11 ગુનાઓ નોધાયા હોવાનું ખુલ્યુ

નવસારી : નવસારીના બીલીમોરા શહેર નજીક વાઘરેચ પુલ પરથી બે દિવસ અગાઉ ચોરાયેલી બાઈક સાથે બીલીમોરા પોલીસે બે રીઢા ચોરોને પકડી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ સામે ભૂતકાળમાં 11 ગુનાઓ નોંધાયા હોવાનું ખુલ્યુ હતું.  

પોલીસે 6૦ હજાર રૂપિયાની બાઈક કબ્જે કરી

મળતી માહિતી અનુસાર, બીલીમોરા પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ ઇસમો શહેર નજીક આવેલા વાઘરેચ પુલ પાસે ફરી રહ્યા છે. જેથી તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાઈક ઉપર ફરી રહેલા બે શંકાસ્પદ ઈસમોને રોકી પૂછપરછ કરતા તેમની પાસેની બાઈક ચોરીની હોવાનું ખુલ્યુ હતું. જેથી પોલીસે બંનેને અટકમાં લઇ કડકાઈથી પૂછપરછ કરતા તેમણે ગત ગુરૂવારે વાઘરેચ પુલ પરથી જ બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેમાં ગણદેવી તાલુકાના ગોયંદી ગામે વચલા ફળિયામાં રહેતો 25 વર્ષીય હાર્દિક પટેલ ગત ગુરૂવારે મોડી સાંજે પોતાની બાઈક લઇને વાઘરેચ પુલ ઉપર આંટો મારવા ગયો હતો. જ્યાં પુલ ઉપર બાઈક પાર્ક કરી, ચાલતા ચાલતા થોડે આગળ ગયો અને પરત ફર્યો ત્યાં તેની બાઈક ચોરી થઇ હોવાનું જણાયુ હતું. સમગ્ર મુદ્દે હાર્દિકે બીલીમોરા પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં જોતરાઈ હતી. જેમાં બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરતા પોલીસને સફળતા મળી અને આજે બાતમીને આધારે ચોરાયેલી હાર્દિકની બાઈક સાથે પકડી પાડ્યા હતા. પોલીસે વડોદરાના તાંદલજા રોડ સ્થિત ખ્વાજા ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય મોહસીન હાજી કડીવાલા અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશનની બહાર ફૂટપાથ પર રહેતા 40 વર્ષીય માનસિંહ ઉર્ફે મની હનીફસિંહની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે વડોદરા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં વિવિધ ધારાઓ હેઠળ કુલ 11 ગુનાઓ નોંધાયા હોવાનું જણાયુ હતું. સમગ્ર મુદ્દે બીલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડાએ તપાસને વેગ આપ્યો છે.

Continue Reading
Advertisement

Trending