ગાંજો પહોંચાડનાર વ્યારાની પેડલર મહિલા વોન્ટેડ
નવસારી : નવસારી શહેરમાં સરળતાથી નશાનો સમાન મળી રહેતો હોવાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં રહેતો યુવાન ગાંજો વેચતા નવસારી ટાઉન પોલીસને હાથે ઝડપાયો હતો. જેની પાસેથી પોલીસે કુલ 53.40 ગ્રામ ગાંજો કબ્જે કર્યો અને ગાંજો પહોંચાડનાર વ્યારાની પેડલર મહિલાને વોન્ટેડ જાહેર કરી છે.
આરોપી પાસે વનસ્પતિજન્ય અને હાઈબ્રીડ બંને ગાંજો મળ્યો
મળતી માહિતી અનુસાર, નવસારી ટાઉન પોલીસની ટીમ આજે શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન દશેરા ટેકરી વિસ્તારમાં ઓમ રેસીડેન્સી સામે આવેલ ખોજા કબ્રસ્તાન પાછળ ખુલ્લી જગ્યામાં એક યુવાન કાળા રંગના થેલા સાથે ઉભેલો જોવા મળ્યો હતો. પોલીસને યુવાન ઉપર શંકા જતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવાનની પૂછપરછ કરતા 29 વર્ષીય સુફિયાન હનીફ શેખ ઓળખ આપી હતી. જેની પાસેના થેલાને તપાસતા તેમાંથી 418.8 રૂપિયાનો 41.88 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો તેમજ 34,560 રૂપિયાનો 11.52 ગ્રામ હાઈબ્રીડ ગાંજો પણ મળી આવ્યો હતો. જેથી પોલીસે સુફિયાન શેખની નાર્કોટિક્સ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. જેની પાસેથી કુલ 53.40 ગ્રામ ગાંજો, 10 હજાર રૂપિયાનો મોબાઈલ, સિગારેટ, લાઇટર, રોકડ મળી કુલ 45,818 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી. સાથે જ સુફિયાનને ગાંજો પહોંચાડનાર વ્યારાના સ્વીટી પાર્ટી પ્લોટ પાછળ રહેતી રેખાબેન નામની પેડલર મહિલાને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.