નવસારી : નવસારીમાં પરવાનગી વિના LPG ગેસના નાના બોટલ મેળવી, તેમાંથી મોટા બોટલમાં ગેસ રિફિલિંગ કરવાના વેપલાનો નવસારી LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. LCB ની ટીમે બાતમીને આધારે ગણેશ સિસોદ્રા ગામે કોળીવાડમાં છાપો મારી ગેરકાયદે અને જીવના જોખમે LPG ગેસ રિફિલિંગ કરતા બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, નવસારી શહેરને અડીને આવેલા ગણેશ સિસોદ્રા ગામના કોળીવાડમાં રહેતો વિનય પટેલ પરવાનગી વિના ગેરકાયદેસર રીતે LPG ગેસ રિફિલિંગ કરવાનો ધંધો કરે છે. જેને આધારે LCB પોલીસે વિનય પટેલના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન ઘટના સ્થળે 4, 6, 8, 15 અને 19 કિલોના LPG ગેસના બોટલ મળી આવ્યા હતા. જેમાં નાના બોટલમાંથી મોટા બોટલમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે LPG ગેસ રિફિલિંગ કરતા અને નવસારીના મરોલી ચાર રસ્તા નજીક વિજય પાર્ક સોસાયટીમાં રહેતા મીહીરકુમાર અશોક સોની અને ગણેશ સિસોદ્રા ગામના ભાઠેલ ફળિયામાં રહેતા ધર્મેશ મનુ હળપતિની ધરપકડ કરી હતી. જ્યારે ઘટના સ્થળેથી 4 કિલોનો એક ખાલી બોટલ, 6 કિલોના 4 ખાલી બોટલ, 8 કિલોનો એક ખાલી બોટલ અને 2 ભરેલા બોટલ, 15 કિલોના 12 ખાલી બોટલ અને 7 ભરેલા બોટલ, 19 કિલોનો એક ખાલી અને 9 ભરેલા બોટલ મળી કુલ 37 ગેસ બોટલ તેમજ ગેસ રિફિલિંગ કરવાના સાધનો અને 50 હજાર રૂપિયાનો એક મોબાઈલ ફોન મળી કુલ્લે 1.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ગેરકાયદે LPG ગેસ રિફિલિંગનો વેપલો કરતા વિનય પટેલને વોન્ટેડ જાહેર કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તપાસને વેગ આપ્યો છે.