મહાનગર પાલિકામાં વારંવારની રજૂઆતો બાદ પણ સમારકામ નહીં
નવસારી : નવસારી શહેરના અનેક વિસ્તારોમાં આંતરિક માર્ગો ઉપર ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં અથવા રસ્તાથી થોડા ઉપર ઉઠેલા જોવા મળે છે, જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોય એવી સ્થિતિ છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ રાધેપાર્કથી ઘેલખડી જતા માર્ગ ઉપર પણ ગટરના ઢાંકણા તૂટી ગયા છે, પરંતુ મહાનગર પાલિકાની આળસ ખંખેરાતી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
સ્થાનિકોની અનેક રજૂઆતો, પણ સમારકામ નહીં
સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં બે દિવસ અગાઉ 2 વર્ષીય કેદાર રસ્તા વચ્ચે ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે ગટરમાં પડી ગયો હતો અને ગટરમાં લાપતા બન્યા બાદ તેનો મૃતદેહ મળ્યો હતો. જેમાં સુરત મહાનગર પાલિકાની બેદરકારી સામે આવી હતી. ત્યારે હાલમાં જ નવસારી પાલિકામાંથી મહાનગર પાલિકા બનેલ નવસારી શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાની વચ્ચે અથવા રસ્તાની બાજુમાં તૂટેલી હાલતમાં ખુલ્લા પડ્યા છે. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અકસ્માતનો ભોગ બને અથવા અહીંથી પસાર થતાં બાળકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓ અકસ્માતે ગટરમાં પડે તો જવાબદાર કોણ..? નો સ્થાનિકોમાં સવાલ ઉઠ્યો છે. કારણ અગાઉ આજ પ્રકારે તૂટેલા ગટરમાં ઢાંકણામાં એક યુવાન પડ્યો હતો, પરંતુ સદ્દનસીબે સ્થાનિકોએ તેને બચાવી લીધો હતો. આ વિસ્તારના લોકોએ વાંરવાર નગર પાલિકામાં અને હવે મહાનગર પાલિકામાં રસ્તા વચ્ચે તૂટેલા ગટરના ઢાંકણાની મરામત કરાવવા રજૂઆતો કરી છે, પણ મહા પાલિકાની આળસ જતી નથી. જેથી સ્થાનિકોમાં મહાનગર પાલિકાના તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.